મુંબઈ: મુંબઈમાં ગુરુવારે છત્રપતિ શિવાજી ટર્મિનલ પાસે ફૂટઓવર બ્રિજ ધરાશાઈ થતાં બે મહિલા સહિત 5 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અને મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. આ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ કે “મુંબઈના ફૂટઓવર બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો વિશે જાણીને ઘણું દુઃખ થયું. મારી સાંત્વના તેમના પરિવારો સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સારા થઈ જાય. મહારાષ્ટ્ર સરકાર પ્રભાવિત લોકોને તમામ પ્રકારની મદદ કરવા સંભવ પ્રયાસ કર રહી છે.”


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તેઓએ કહ્યું કે બીએમસીના કમિશ્નર અને મુંબઈ પોલીસના અધિકારીઓ સાથે વાત થઈ છે. તેઓ રેલેવ મંત્રાલયના અધિકારીઓ સાથે મળીને તત્કાલ રાહત અને બચાવ કાર્યોને સુનિશ્ચિત કરે.  ફડણવીશે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ થશે. મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. જ્યારે ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે તથા તેમનો મેડિકલ ખર્ચ પણ સરકાર ઉપાડશે.


અહેવાલ અનુસાર  આ દુર્ઘટના સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ બની હતી. અચાનક બ્રિજ ધરાશાઈ થતા અફરાતફરી મચી ગઈ હતી. લોકો લોકલ ટ્રેન પકડવા માટે આ બ્રિજનો ઉપયોગ કરે છે.