મુંબઈ: કોરોનાના કારણે દેશમાં ઘણુ બધુ બદલાઈ ગયું છે. લોકોના કામ કરવાની રીતથી લઈને તેમના વિચારોમાં પણ ધણો બદલાવ આવ્યો છે. લોકો હવે પહેલા કરતા વધારે સ્માર્ટ થઈ ગયા છે. આ સ્માર્ટ સમયગાળામાં લોકો હવે ઓનલાઈન લગ્ન કરી રહ્યા છે.


ન બેન્ડ બાજાની જરૂર, ન જાનૈયાની હાજરી અને કોઈ ખર્ચ પણ નહી. ઘરવાળાની હાજરીમાં માંગલિક કાર્યક્રમ અને મંત્રોનું ઉચ્ચારણ ઓનલાઈન જ કરવામાં આવી રહ્યું છે. બંને પક્ષવાળા પોતાના ઘરે બેસીને જ લગ્નનો આનંદ લઈ રહ્યા છે.

19 એપ્રિલે કંઈક આ રીતે જ સુષેન ડંગ અને કીર્તિ નારંગના લગ્ન થયા. મુંબઈના સુષેન ડંગ અને બરેલીની કીર્તિ નારંગ, એક લગ્ન વેબસાઈટના માધ્યમથી જૂમ એપ પર હંમેશા-હંમેશા માટે એકબીજાના થઈ ગયા. પંડિતે ઓનલાઈન મંત્રોની ઉચ્ચારણ કર્યું. બંનેએ ઓનલાઈન સાત વચન લીધા અને ઓનલાઈન સાત ફેરા ફર્યા. આશરે 50 સંબંધીઓ આ ઓનલાઈન લગ્નમાં સામેલ થયા અને તેમણે ડાન્સ પણ કર્યો.

ઓનલાઈન લગ્નનો આ કાર્યક્રમ આશરે 2 કલાક સુધી ચાલ્યો. જૂમ એપના માધ્યમથી લગ્ન કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ પણ શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 1.50 લાખ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

સુષેન અને કીર્તિની મુલાકાત એક લગ્ન વેબસાઈટના માધ્યમથી થઈ હતી. કીર્તિ મેકઅપ આર્ટિસ્ટ છે. સુષેન એક અમેરિકન કંપનીમાં ડેટા એનાલિસ્ટ છે. ઓક્ટોબર 2019માં બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. લગ્નનું મુહૂર્ત 19 એપ્રિલ રાખવામાં આવ્યું હતું.