Mumbai Rain: સોમવારે (13 મે)ના રોજ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ઘાટકોપર વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ અને તોફાન દરમિયાન પેટ્રોલ પંપ પર એક હોર્ડિંગ પડી ગયું, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 100 અન્ય લોકો દટાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત સાંજે 4.30 વાગ્યે છેડાનગર જીમખાના પાસે થયો હતો. તેમણે કહ્યું કે ફાયરમેન અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું.


 




અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 100 લોકો હોર્ડિંગ હેઠળ દટાયા હોવાની આશંકા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે ક્રેન્સ અને ગેસ કટરને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાટકોપર ઘટના પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રશાસનની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે અને ઘાયલોને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


બેદરકારી રાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે - ડેપ્યુટી સીએમ ફડણવીસ
ઘાટકોપર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. BMCએ આ આંકડાની પુષ્ટિ કરી છે. ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું, આ હોર્ડિંગ લગાવવા માટે કેવા પ્રકારની પરવાનગીઓ હતી તેની તપાસ કરવામાં આવશે. તેમની પાસે પરવાનગી હતી કે નહીં. ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે, મુખ્યમંત્રીએ BMCને આવા તમામ હોર્ડિંગનું કડક ઓડિટ કરવા કહ્યું છે. બેદરકારી દાખવનાર સામે પગલાં લેવામાં આવશે.


અત્યાર સુધીમાં 67 લોકોને બચાવી લેવામાં આવ્યા છે
ઘાટકોપર દુર્ઘટના પર NDRFએ કહ્યું કે અત્યાર સુધીમાં 67 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. NDRFએ કહ્યું કે તેની ટીમ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.


સીએમ શિંદેએ વળતરની જાહેરાત કરી
ઘાટકોપર અકસ્માત પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.