મુંબઈઃ મુંબઈમાં મેઘરાજાની કૃપા આફત બનીને વરસી છે. પહેલા લોકો મોનસૂનની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે વરસાદ આવ્યો તો એવો આવ્યો કે આખું શહેર પાણી પાણી થઈ ગયું છે. માયાનગરીના અંધેરી, વર્સોવા, બોરિવલી, કુર્લા સહિત લગભગ દરેક વિસ્તારમાં અનેક ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ જામની સ્થિતિ છે, ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.


વરસાદ એટલો પડ્યો છે કે, રસ્તા પર ગાડીઓના પૈંડા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે. હાઇવે પર અનેક જગ્યાએ ખાડા પણ પડી ગયા છે. લોકો જીવના જોખમે એરપોર્ટ પહોંચી રહ્યા છે.


ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રન વે બંધ કરવાની ફરજ પડી છે. સોમવારે રાત્રે સ્પાઇસ જેટલી ફ્લાઇટ રન વેથી આગળ નીકળી ગયા બાદ આ નિર્ણય કરાયો છે. હાલ એરપોર્ટનો બીજો રન વે કાર્યરત છે. મુખ્ય રન વે બંધ હોવાને પગલે અસંખ્ય ફ્લાઇટો મોડી પડી રહી છે અને અમુક ઇન્ટરનેશનલ ફ્લાઇટોનો બીજા એરપોર્ટ પર મોકલવામાં આવી રહી છે.