મુંબઈ: મહારાષ્ટ્રમાં એક IAS અધિકારીના પુત્રને કથિત રીતે તેની ગર્લફ્રેન્ડ પર કાર ચલાવવાના કેસમાં જામીન મળી ગયા છે. આ સાથે અન્ય બે લોકોને પણ જામીન મળી ગયા છે. થાણેની અદાલતે ધરપકડ કરાયેલા આરોપી અમલદારના પુત્ર સહિત ત્રણ લોકોને જામીન આપ્યા છે. મુંબઈની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પ્રિયા સિંહે તેના બોયફ્રેન્ડ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે અશ્વજીત ગાયકવાડે તેની પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો.
સોમવારે ત્રણેયને કોર્ટમાંથી જામીન મળી ગયા
ઘોડબંદર રોડ પર 11 ડિસેમ્બરે બનેલી ઘટનામાં આરોપી અશ્વજીત ગાયકવાડ, રોમિલ પાટીલ અને સાગર શેડગેની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડના એક દિવસ બાદ સોમવારે ત્રણેયને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.
સ્કોર્પિયો અને લેન્ડરોવર વાહન કબજે કર્યું
પોલીસે ઘટનામાં વપરાયેલ સ્કોર્પિયો અને લેન્ડરોવર વાહન પણ કબજે કર્યું હતું. અશ્વજીત ગાયકવાડ સહિત ત્રણેય આરોપીઓને શરૂઆતમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં એડવોકેટ બાબા શેખે જામીન અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે આ કેસની તમામ કલમો જામીનપાત્ર છે અને પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં મોકલવાની જરૂર નથી.
જેના પર ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એસ.ધુમલે ત્રણેયને જામીન આપ્યા હતા. 11 ડિસેમ્બરના રોજ, દલીલ પછી, અશ્વજીતે તેની ગર્લફ્રેન્ડ અને ઈનફ્લુએન્સર પ્રિયા સિંહ પર તેની કાર ચઢાવી હતી. આ અકસ્માતમાં પ્રિયા સિંહને ગંભીર ઈજા થઈ હતી. પ્રિયા સિંહની ફરિયાદ પર ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ માટે રવિવારે SITની રચના કરવામાં આવી હતી.
યુવતી બ્યુટિશિયન છે, આરોપીના પિતા મોટા અધિકારી છે
પીડિત યુવતીનું પૂરું નામ પ્રિયા ઉમેન્દ્ર સિંહ છે. તે બ્યુટિશિયન છે. પ્રિયાએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું, "મને ન્યાય જોઈએ છે... દોષિત અશ્વજીત અનિલ કુમાર ગાયકવાડ છે, જે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત પ્રબંધ નિર્દેશક અનિલ કુમાર ગાયકવાડનો પુત્ર છે." યુવતીની આવી આપવીતી બાદ સમગ્ર રાજ્યમાં મામલો ગરમાયો છે. આ પોસ્ટમાં પ્રિયાએ અશ્વજીતના મિત્રો, રોમિલ પાટીલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કે સિવાય તેના બોયફ્રેન્ડના ડ્રાઈવર-કમ-બોડીગાર્ડ શિવાનું નામ પણ આપ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે.