નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મહાસચિવ ભૈયાજી જોશીએ રવિવારે કહ્યું કે, ભારતમાં મુસ્લિમોનું ક્યારેય ઉત્પીડન નથી થયું. તેમણે આરોપ લગાવ્યો હતો કે દેશમાં સંશોધિત નાગરિકતા કાયદાના વિરુદ્ધમાં ખોટી જાણકારીઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોશી 71 મા ગણતંત્ર દિવસના અવસર પર સંઘની હેડઓફિસમાં આયોજીત કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યા બાદ બોલી રહ્યા હતા.


જોશીને સીએએને લઇને પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અત્યાર સુધી ઇસ્લામના અનુયાયીઓને આ દેશમાં કોઇ પણ પ્રકારના ઉત્પીડનનો સામનો કરવો પડ્યો નથી. જો ત્યાંથી કોઇ નાગરિક આવે છે તો પછી ભલે તે મુસ્લિમ કેમ ના હોય પણ તે અગાઉ બનેલા કાયદાના હિસાબથી નાગરિકતા હાંસલ કરી શકે છે.તેમાં સમસ્યા શું છે.

તેમણે કહ્યું કે, કોઇ પણ ગંભીરતાથી વિચાર કર્યા વિના ખોટી સૂચનાઓનો પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જો સીએએની પાછળની ભાવનાને યોગ્ય રીતે સમજાવવામાં આવી હોત તો કોઇ વિરોધનો સામનો કરવો પડ્યો ના હોત. જોશીએ કહ્યું કે, સરકારે વારંવાર સ્પષ્ટતા આપી છે પરંતુ અલગ અલગ જૂથ હજુ પણ તેના વિરોધમાં માહોલ બગાડી રહ્યા છે.