નવી દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ મામલામાં દિલ્હીની સાકેત કોર્ટે મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને દોષિત જાહેર કર્યો છે. જાતીય શોષણના મામલામાં કોર્ટે 20 આરોપીઓમાંથી 19 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટ સજાની જાહેરાત 28 જાન્યુઆરીના રોજ કરશે.


બ્રજેશ ઠાકુર પર સગીર બાળકીઓ અને યુવતીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ હતો. દિલ્હીની સાકેત કોર્ટે આ મામલામાં તેને દોષિત ઠેરવ્યો હતો. આ કેસ બિહારના શેલ્ટર હોમમાં સગીર યુવતીઓના જાતીય શોષણ સાથે જોડાયેલો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર આ મામલાની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ કેસ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના રિપોર્ટમાં સામે આવ્યો હતો. જેમાં મુખ્ય આરોપી તરીકે બ્રજેશ ઠાકુરનું નામ સામે આવ્યું હતું જે બિહાર સરકારની નજીક હતો.


સાકેત કોર્ટે બ્રજેશ ઠાકુર સહિત 20 આરોપીઓ વિરુદ્ધ પોક્સો, બળાત્કાર, ગુનાહિત કાવતરુ જેવી કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. સીબીઆઇએ આ મામલામાં મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરને બનાવ્યો હતો. સીબીઆઇએ કોર્ટમાં દાખલ પોતાની ચાર્જશીટમાં કહ્યું હતું કે જે શેલ્ટર હોમમાં સગીરાઓ સાથે બળાત્કાર થતો હતો જે બ્રજેશ ઠાકુર ચલાવતો હતો.
બ્રજેશ ઠાકુર સહિત પાંચને કોર્ટે ગેંગરેપ અને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા હતા. અન્ય 13ને પોક્સો એક્ટ અને કાવતરુ રચવા માટે દોષિત ઠેરવ્યા છે. જેમાં સાત મહિલાઓ સામેલ છે. રોજી રાનીને પોતાના અધિકારીઓને ઘટનાની જાણકારી નહી આપવા મામલે દોષિત ઠેરવી છે.