Jammu Kashmir:  જમ્મુના ઉધમપુર જિલ્લામાં બુધવારે મોડી રાત્રે એક બસમાં બ્લાસ્ટ થતાં સમગ્ર જિલ્લામાં સનસનાટી મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં 2 લોકો ઘાયલ થયા છે, જ્યારે આ બસની આસપાસ પાર્ક કરાયેલા અન્ય વાહનોને પણ નુકસાન થયું છે. પોલીસ વિસ્ફોટના આતંકવાદી એંગલથી પણ તપાસ કરી રહી છે






જમ્મુના ઉધમપુર જિલ્લાનો દુમેલ ચોક બુધવારે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે બ્લાસ્ટના અવાજથી હચમચી ગયો હતો. આ બ્લાસ્ટ પેટ્રોલ પંપ પર ઉભેલી બસમાં થયો હતો. આ પેટ્રોલ પંપની સામે જ ભારતીય સેનાનું ચેકિંગ પોઈન્ટ પણ છે. ઘટનાના એક સાક્ષીએ જણાવ્યુ હતું કે વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે આખું ઉધમપુર શહેર આ અવાજથી ધ્રૂજી ઊઠ્યું હતું. બ્લાસ્ટથી બસની છતને નુકસાન થયું છે, તો પેટ્રોલ પંપ પર પાર્ક કરાયેલા અન્ય કેટલાક વાહનોને પણ નુકસાન થયું છે. આ વિસ્ફોટ બાદ પોલીસ દ્વારા વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


ઉધમપુર રેન્જના ડીઆઈજી મોહમ્મદ સુલેમાન ચૌધરીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ લગભગ રાત્રે 10.30 વાગ્યે થયો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બસ બસંતગઢથી ઉધમપુર આવી હતી અને 6 વાગ્યાથી પેટ્રોલ પંપ પર ઉભી હતી. તેમના કહેવા મુજબ બસ બીજા દિવસે સવારે ફરીથી બસંતગઢ જવાની હતી, પરંતુ તે પહેલા જ તેમાં વિસ્ફોટ થયો હતો. મોહમ્મદ સુલેમાન ચૌધરીના જણાવ્યા અનુસાર, આ બ્લાસ્ટની તપાસ ચાલી રહી છે અને હાલમાં આ બ્લાસ્ટ વિશે કંઈપણ કહેવું યોગ્ય રહેશે નહીં. જો કે, તેમણે વિસ્ફોટમાં આતંકવાદી એંગલને નકાર્યો નહોતો. ડીઆઈજીના જણાવ્યા અનુસાર, વિસ્ફોટમાં બે લોકો ઘાયલ થયા છે જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.


વિસ્ફોટની ઘટના સીસીટીવીમાં કેદ


પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ આ બ્લાસ્ટની તસવીરો કેદ થઈ ગઈ છે અને પોલીસે પેટ્રોલ પંપનું ડીવીઆર કબજે કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ આ બસના ડ્રાઇવર અને કંડક્ટરની પણ પૂછપરછ કરી રહી છે. નોંધનીય છે કે ઉધમપુરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકવાદી ગતિવિધિઓ સતત વધી રહી છે. બીજી તરફ જમ્મુના પુંછ જિલ્લામાં પોલીસે આઈડી સાથે એક મહિલાની ધરપકડ કરી છે.