N Chandrababu Naidu: મીડિયા મુગલ, ફિલ્મ નિર્માતા અને હૈદરાબાદ સ્થિત રામોજી ફિલ્મસિટીના માલિક રામોજી રાવના અંતિમ સંસ્કાર રવિવારે હૈદરાબાદમાં કરવામાં આવ્યા હતા. તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહેલા ચંદ્રબાબુ નાયડુએ રામોજી રાવની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી. તેમણે રામોજી રાવની અર્થીને કાંધ આપી હતી. રાવની અંતિમ યાત્રાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે એન. ચંદ્રબાબુ નાયડુ તેમના પરિવારના સભ્યો અને મિત્રો સાથે રામોજી ફિલ્મ સિટીથી શરૂ થયેલી રામોજી રાવની અંતિમ યાત્રામાં જોડાયા હતા.






નાયડુ સાથે તેમના પત્ની ભુવનેશ્વરી પણ જોવા મળ્યા


રામોજી રાવની અંતિમ યાત્રામાં એન. ચંદ્રબાબુ નાયડુ  તેમના પત્ની નારા ભુવનેશ્વરી સાથે પહોંચ્યા હતા. વાયરલ તસવીરોમાં નાયડુ અને ભુવનેશ્વરી રામોજી રાવના પત્ની રમાદેવીની સાથે બેસીને તેમને સાંત્વના આપતા જોઈ શકાય છે. કેટલીક તસવીરોમાં નાયડુ રામોજી ગુરુના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરતા પણ જોવા મળે છે.               






 રામોજી રાવનું 8મી જૂને નિધન થયું હતું


ચેરુપુરી રામોજી રાવનું 8 જૂનના રોજ સવારે 3:45 વાગ્યે સ્ટાર હોસ્પિટલમાં હૈદરાબાદમાં અવસાન થયું હતું. નોંધનીય છે કે 5 જૂનના રોજ રામોજી રાવને બ્લડ પ્રેશર વધવા અને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર પણ મૂકવામાં આવ્યા હતા. પરંતુ તેમને બચાવી શકાયા ન હતા. શનિવારે તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી લઈ જવામાં આવ્યો, જ્યાં તેમના ચાહકોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર મહેશ બાબુ, અભિનેતા રિતેશ દેશમુખ અને તેલંગણાના સીએમ રેવંત રેડ્ડી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓએ પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.