નાગપુરઃ મહારાષ્ટ્રમાં પાંચ સ્તરીય અનલોક યોજના અંતર્ગત નાગપુરમાં સોમવારથી પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. સોમવારથી બજારોમાં ચહેલ પણ જોવા મળી રહી છે. પરંતુ આજે જે દ્રશ્યો સામે આવ્યા તે જોતાં નાગપુરમાં ફરીથી કોરોના ફૂંફાડો મારે તો નવાઈ નહીં.


ન્યૂઝ એજન્સી એએનઆઈની ટ્વીટ મુજબ નાગપુરના સીતાબુલંદી મેઇન રોડ વિસ્તારમાં ખરીદી કરવા લોકોના ટોળા ઉમટ્યા હતા અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાડ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1,64,743 છે. જ્યારે 55,97,304 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી 1,01,833 લોકોના મોત થયા છે. જે દેશમાં સૌથી  વધુ છે.




ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સતત ત્રીજા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 94,052 નવા કેસ નોંધાયા છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા વણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 6 હજારથી વધુ લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 94,052 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,51,367 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 6148 લોકોના મોતથી ફફડાટ ફેલાયો છે.



  • કુલ કેસઃ બે કરોડ 91 લાખ 83 હજાર 521

  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 76 લાખ 55 હજાર 493

  • એક્ટિવ કેસઃ 11 લાખ 67 હજાર 952

  • કુલ મૃત્યુઆંકઃ 11,67,952


દેશમાં સતત 28માં દિવસે કોરોના વાયરસના નવા મામલા કરતાં રિકવરી વધારે છે. 9 જૂન સુધી દેશભરમાં 24 કરોડ 27 લાખ 26 હજાર કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 33 લાખ 79 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 37 કરોડ 21 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.