નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં સાધુની હત્યા મામલે આરોપી સાઈનાથ લંગોટેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ લૂંટફાટ બની. આરોપી સાધુનો ભક્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ લૂંટફાટના ઈરાદે તેણે સાધુની હત્યા કરી હતી. નાંદેડેના ઉમરી તાલુકાના નાગઠાના વિસ્તારમાં ઘટના બની હતી.


નાંદેડના એસપી વિજયકુમારે જણાવ્યું કે, સાધુ પર મરચાનો પાવડર નાંખી ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપી શબની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. તે ગાડીમાં સાધુનો મૃતદેહ લઈ જઈ રહ્યો હતો. પરંતુ ગાડી મઠના ગેટ સાથે અથડાયા બાદ ફરાર થઈ ગયો હતો. આરોપી સાધુના રૂપિયા અને લેપટોપ બધુ લઈને ભાગી રહ્યો હતો.

આરોપી શબ લઈને કેમ ભાગી રહ્યો હતો આ એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે લૂંટફાટના ઈરાદે ઘટનાને અંજામ આપ્યો હતો. નાંદેડ પોલીસના જણાવ્યા પ્રમાણે ગત રાતે 12 થી સાડા 12 વચ્ચે હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

મોડી રાતે સાધુ બાલબ્રહ્મચારી શિવાચાર્યની હત્યા કરવામાં આવી હતી અને ભગવાન શિંદે નામના વ્યક્તિની લાશ પણ આશ્રમમાંથી મળી હતી. ભગવાન શિંદે શિવાચાર્યનો સેવક હોવાનું જાણવા મળ્યું છે. બીજેપી નેતા રામ કદમે સાધુઓની હત્યા પર સવાલ ઉઠાવીને કહ્યું, રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.

આ પહેલા પાલઘરમાં 70 વર્ષીય કલ્પવૃક્ષનાથગિરી અને 35 વર્ષના સુશીલગિરી નામના 2 સાધુ તથા તેમના 32 વર્ષના ડ્રાઈવર નીલેશ તેલગડેની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે 110 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 9 સગીર હોવાના કારણે તેમને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત 2 પોલીસકર્મીને આ મામલે બેદરકારી દાખવવા મુદ્દે મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કર્યા હતા.