નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સલાહ આપી છે કે ભાજપે દિલ્હીમાં સંગઠનનું પુનઃગઠન કરવાની જરૂર છે કારણ કે રાજ્યોની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ હંમેશા જીત અપાવી શકતા નથી. સંઘના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરમાં છપાયેલા સંપાદકીયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં ભાજપની રણનીતિને દોષપૂર્ણ ગણાવી હતી. દિલ્હીમાં આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. આ ચૂંટણીમાં આપએ 62 બેઠકો જીતી હતી અને ભાજપને ફક્ત 8 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ કેતકરે લેખમાં લખ્યું હતું કે દિલ્હીમાં વિચારધારા અને નજીરિયાની લડાઇ હતી. આખી ચૂંટણીમાં કેજરીવાલ અને તેમની સરકાર વિરુદ્ધ કોઇ માહોલ નહોતો. તેમની સરકારે વિજળી અને પાણી બિલમાં ઘટાડાનો મોટો ફાયદો થયો. જેના પર ભાજપને દિલ્હીની 1700 ગેરકાયદેસર કોલોનીઓને કાયદેસર જાહેર કરી 40 લાખ લોકોને ફાયદો પહોંચાડ્યો. લેખમાં ભાજપની હાર પાછળ બે કારણો જવાબદાર ગણાવ્યા હતા. 2015 બાદ દિલ્હીમાં ભાજપે જમીની સ્તર પર મહેનત કરી નહી અને બીજું કારણ એ છે કે ચૂંટણી અભિયાન અંત સમયમાં શરૂ કરવામાં આવ્યુ. જેના કારણે ભાજપ ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરી શકી નથી.