શુક્રવારે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સંસદના સેન્ટ્રલ હોલમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAના નવા ચૂંટાયેલા સાંસદોની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠક બાદ એનડીએ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી અને સહયોગી પક્ષોનો આભાર માન્યો હતો.
એનડીએના નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી માટે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. તેઓ દેશના બીજા નેતા બનશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ પહેલા આ રેકોર્ડ પંડિત જવાહર લાલ નેહરુના નામે હતો. પીએમ પદના શપથ લેતાની સાથે જ મોદી આ રેકોર્ડની બરાબરી કરશે.
તેમણે કહ્યું કે, ભારતના આવા મહાન લોકતંત્રની તાકાત જુઓ કે આજે લોકોએ દેશના 22 રાજ્યોમાં સરકાર બનાવીને NDAને સેવા કરવાની તક આપી છે. આપણું આ જોડાણ સાચા અર્થમાં ભારતનો આત્મા છે. હું મારા અંગત જીવનમાં જવાબદારીની ઊંડી લાગણી અનુભવું છું. હું જીવનમાં હંમેશા જે વસ્તુ પર ભાર મૂકું છું તે છે વિશ્વાસ. તમે મને 2019માં તમારા નેતા તરીકે પસંદ કર્યો હતો અને આજે 2024માં પણ તમારા પસંદ કરેલા નેતા તરીકે અહીં ઊભા રહીને મને લાગે છે કે અમારી વચ્ચેનો 'વિશ્વાસનો સેતુ' ઘણો મજબૂત છે. ભારતના રાજકીય ઈતિહાસમાં અને ભારતીય રાજનીતિમાં ગઠબંધનના ઈતિહાસમાં ચૂંટણી પહેલાનું ગઠબંધન ક્યારેય એટલું સફળ રહ્યું નથી જેટલું NDA રહ્યું છે. એનડીએ માટે સત્તા મેળવવા કે સરકાર ચલાવવા માટે કેટલાક પક્ષોનો મેળાવડો નથી.
મોદીએ કહ્યું, આ નેશન ફર્સ્ટની મૂળ ભાવના સાથે નેશન ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ છે. એનડીએ એ સત્તા મેળવવા કે સરકાર ચલાવવા માટે અમુક પક્ષોનો મેળાવડો નથી. આ નેશન-ફર્સ્ટ માટે પ્રતિબદ્ધ જૂથ છે. આજે NDA ભારતની રાજકીય વ્યવસ્થામાં એક જૈવિક ગઠબંધન તરીકે ચમકી રહ્યું છે.