ભારતમાં કોરોનાની બીજી લહેર વધુ વિનાશક બની રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેણે વારંવારની ચેતવણીઓની અવગણના કરી હતી. અમેરિકન મેડિકલ જર્નલ લાન્સેટના તંત્રીલેખ મુજબ આઈસીએમઆરે સીરો-સર્વેલન્સમાં દેશની માત્ર ૨૧ ટકા વસતી કોરોનાથી એક્સપોઝ થઈ હોવાનું દર્શાવાયું હોવા છતાં કેન્દ્ર સરકારે ભારતે 'કોરોનાને હરાવી દીધો' હોવાની જાહેરાત કરી દીધી હતી.
મેડિકલ જર્નલ લાન્સેટના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં જે સ્થિતિમાંથી લોકો પસાર થઈ રહ્યાં છે, તેને સમજવાનું ઘણું મુશ્કેલ છે. તેમાં જણાવાયા મુજબ, નિષ્ણાંતો દરરોજ સામે આવતા કેસ અને મોતના આંકડા કરતા હકીકતમાં વધુ કેસ અને મોત થતા હોવાનું માને છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાં જગ્યા નથી, સ્વાસ્થ્યકર્મીઓ પરેશાન થઈ ગયા છે અને સંક્રમિત થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો અને ડોક્ટર મેડિકલ ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને બીજી જરૂરીયાતો માટે આજીજી કરી રહ્યાં છે. છતાં પણ માર્ચમાં જ્યારે બીજી લહેર શરૂ થઈ તો આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જાહેરાત કરી કે, 'ભારતમાં મહામારીની એન્ડગેમ છે.'
વધુમાં જર્નલમાં કહેવાયું હતું કે, દેશમાં માર્ચના પ્રારંભમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ તે પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જાહેરાત કરી દીધી કે ભારતમાં કોરોના મહામારીનો અંત શરૂ થઈ ગયો છે. પરીણામે કોરોનાની બીજી લહેર અને નવા સ્ટ્રેઈન ઉદ્ભવ્યા હોવાની વારંવારની ચેતવણીઓ છતાં કેન્દ્ર સરકારમાંથી એવી છબી ઊભી થઈ કે ભારત કોરોના સામે જીતી ગયું છે. કોરોના સામે ભારતની જીત ઉપરાંત દેશ હર્ડ ઈમ્યુનિટીમાં પહોંચી ગયો છેના ખોટા દાવાઓ તેમજ અપૂરતી તૈયારીઓના કારણે લોકો બેદરકાર બની ગયા અને લોકોએ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવાનું નેવે મુકી દીધું.
આ સંપાદકીયમાં કટાક્ષ કરવામાં આવ્યો કે, 'લાગ્યું કે નરેન્દ્ર મોદી સરકારનું કામ ટ્વિટર પરથી આલોચના હટાવવા પર વધુ હતું અને મહામારીને કાબુ કરવા પર ઓછુ.' સુપરસ્પ્રેડર ઈવેન્ટની ચેતવણી છતાં ધાર્મિક તહેવારો અને રાજકીય સભાઓને મંજૂરી આપી લાખો લોકો ભેગા કરવામાં આવ્યા.
હૂના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે ભારતમાં આજે કોરોના મહામારીની સ્થિતિ કોરોના વેરિઅન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સંકેત આપે છે. કોરોના વિસ્ફોટથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અભિયાનમને ઝડપી બનાવવું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અચાનક કેસ વધવા માટે તૈયાર નહતા અને અહીં મેડિકલ ઓક્સિજન, હોસ્પિટલમાં જગ્યા અને સ્મશાનમાં જગ્યા ખૂટવા લાગી.