વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પ્રખ્યાત પોડકાસ્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંશોધક લેક્સ ફ્રિડમેનને આપેલા એક વિસ્તૃત ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ દરમિયાન તેમણે ખાસ કરીને પાકિસ્તાન સાથેના ભારત ના સંબંધો, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતા અને ચીન સાથેના વર્તમાન સંબંધો પર ભાર મૂક્યો હતો.
ભારત અને પાકિસ્તાનના સંબંધો અંગે વાત કરતા વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આતંકવાદની ઘટનાઓ જ્યાં પણ બને છે, તેની કડીઓ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન સાથે જોડાયેલી હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન આ બાબતને ગંભીરતાથી લેશે અને સુધરશે. વડાપ્રધાને ભારતના શાંતિ પ્રત્યેના સમર્પણને પણ દોહરાવ્યું હતું. તેમણે ભૂતકાળની ઘટનાઓને યાદ કરતાં જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન અલ-કાયદાનો વડો ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનમાં આશરો લઈને બેઠો હતો, જે દર્શાવે છે કે આતંકવાદ પાકિસ્તાનના મૂળમાં ઘર કરી ગયો છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાને વારંવાર ભારત સાથે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો છે.
આ જ પોડકાસ્ટમાં વડાપ્રધાન મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની ગાઢ મિત્રતા વિશે પણ વાત કરી હતી. તેમણે વર્ષ 2019 માં પોતાના યુએસ પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો, ખાસ કરીને હ્યુસ્ટનમાં આયોજિત "હાઉડી મોદી" કાર્યક્રમનો. વડાપ્રધાને જણાવ્યું હતું કે જ્યારે તેઓ સ્ટેજ પર ભાષણ આપી રહ્યા હતા ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ધ્યાનથી તેમને સાંભળી રહ્યા હતા. ભાષણ સમાપ્ત થયા પછી, જ્યારે વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને સ્ટેડિયમની આસપાસ સાથે ફરવા માટે કહ્યું, તો ટ્રમ્પે તુરંત જ સંમતિ આપી હતી અને તેમની સાથે ચાલ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ ઘટનાને યાદ કરતાં કહ્યું હતું કે આ નિર્ણય લેવો ટ્રમ્પ માટે સરળ નહોતો, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ માટે ઘણા પ્રોટોકોલ હોય છે, પરંતુ ટ્રમ્પે પોતાની રીતે નિર્ણય લેવાની ક્ષમતા દર્શાવી હતી.
ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર પોતાના વિચારો વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આ સંબંધો આજકાલના નથી, પરંતુ બંને દેશો પ્રાચીન સંસ્કૃતિઓ ધરાવે છે અને આધુનિક વિશ્વમાં પણ તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. તેમણે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં વાત કરતા જણાવ્યું હતું કે ભારત અને ચીન સદીઓથી એકબીજા પાસેથી ઘણું શીખ્યા છે અને જૂના આંકડાઓ અનુસાર એક સમયે વિશ્વના કુલ જીડીપીના 50 ટકાથી વધુ હિસ્સો એકલા ભારત અને ચીનનો હતો.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે પાછલી સદીઓમાં ભારત અને ચીન વચ્ચે કોઈ મોટા સંઘર્ષનો ઇતિહાસ નથી. બંને દેશોએ હંમેશા એકબીજા પાસેથી શીખવાનો પ્રયત્ન કર્યો છે. એક સમયે ચીન પર બૌદ્ધ ધર્મનો ઘણો પ્રભાવ હતો અને આ વિચાર ભારતીય ઉપખંડમાંથી જ ચીન સુધી ફેલાયો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં પણ બંને દેશો વચ્ચે આવા જ સંબંધો જળવાઈ રહેશે. જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે બે પડોશી દેશો વચ્ચે હંમેશા કોઈને કોઈ મતભેદ રહે છે અને એક પરિવારમાં પણ દલીલો થતી હોય છે, પરંતુ મહત્વનું એ છે કે આ મતભેદો વિવાદમાં ન ફેરવાય.