નવી દિલ્હીઃ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. વીર ચક્ર ભારતમાં યુદ્ધના સમયે આપવામાં આવતું ત્રીજું સર્વોચ્ચ સન્માન છે. સાથે જ બાલકોટમાં આંતકી સંગઠનને નાબૂદ કરનાર ભારતીય વાયુસેનાના સ્ક્વાડ્રન લીડર મિંટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા મેડલ આપવામાં આવશે.


14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં 40 જવાન શહીદ થયા હતા. તેવામાં આ હુમલાના 13 દિવસ પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસી આતંકી કેમ્પને ટાર્ગેટ બનાવ્યા હતા.

આ હુમલાનો બદલો લેવા પાકિસ્તાને બીજા દિવસે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાને મિગ 21 થી પાકિસ્તાનના એફ-16 લડાકૂ વિમાનને ડોગફાઇટમાં નિયંત્રણ રેખા પર તોડી નાંખ્યું હતું.

ત્યારપછી તેમનું વિમાન એક મિસાઈલનું ટાર્ગેટ બન્યું હતું અને તે નષ્ટ થાય તે પહેલાં અભિનંદન વિમાનમાંથી નીકળી ગયા હતા અને ત્યારપછી પાકિસ્તાનના એક વિસ્તારમાં ફસાઈ ગયા હતા. જોકે ભારતના દબાણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને વર્તમાનને છોડી દેવો પડ્યો હતો. પાકિસ્તાની સેનાએ અભિનંદનની ધરપકડ કરી લીઘી હતી પરંતુ 60 કલાક પછી જ તેમને વાઘા બોર્ડર પર ભારતને પરત કરી દેવામાં આવ્યા હતા. વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે.