દિલ્હી: NEET અને JEE હવે વર્ષમાં બે વખત લેવામાં આવશે. વર્ષમાં બે વખત લેવામાં આવનારી પરિક્ષાની જાહેરાત માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી હતી. આ જાહેરાત બાદ NEETની પરીક્ષા ફેબ્રુઆરી અને મે મહિનામાં લેવામાં આવશે, જ્યારે JEE પરિક્ષા જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાશે.
આ સાથે જ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NEET અને JEEની પરીક્ષા લેશે. આ પહેલા આ બંને પરીક્ષાઓ CBSE દ્વારા લેવામાં આવતી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત પરીક્ષા આપવાની તક આપવામાં આવશે, પરંતુ એડમિશન તે વિદ્યાર્થીઓને મળશે જે પરીક્ષામાં બેસ્ટ સ્કોર લાવશે.
તેમણે જણાવ્યું કે આ પરીક્ષાના સિલેબસ, પ્રશ્ન અને ભાષાના વિકલ્પમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યો. પરીક્ષાની ફીમાં પણ કોઈ વધારો કરવાની વાત કેંદ્રીય મંત્રીએ નથી કરી. હવે આ પરીક્ષાઓને તમામ રીતે કોમ્પૂટર બેસ્ડ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે NEETમાં આશરે 13 લાખ વિદ્યાર્થીઓ બેસે છે, જ્યારે JEE Mainsની પરીક્ષા 12 લાખ વિદ્યાર્થીઓ આપે છે.