Odisa CM Naveen Patnaik : ઓડિસાના મુખ્યમંત્રી અને બીજુ જનતા દળના અધ્યક નવીન પટનાયકે વિપક્ષી એકતાને જોરદાર આંચકો આપ્યો છે. નવીન પટનાયકે જાહેરાત કરી કે, તેમની પાર્ટી બીજેડી આગામી વર્ષની લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. કારણ કે તેમણે "હંમેશાં" કર્યું છે. નવીન પટનાયનકના આ નિર્ણયથી ભાજપને થોડી ઘણી રાહત મળી છે. 


ઓડિસા રાજ્ય સાથે સંબંધિત વિકાસના મુદ્દાઓ પર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ પટનાયકે કહ્યું હતું કે, નીતિશ કુમારને તેમને મળવા માટે ભુવનેશ્વર આવવું તે "શિષ્ટાચાર ભેટ" હતી. તેમણે કોંગ્રેસ અને ભાજપ બંનેથી સમાન અંતર જાળવવાની તેમની પાર્ટીની સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો.


નવીન પટનાયક વર્ષ 2000થી ઓડિશાની કમાન સંભાળી રહ્યાં છે. તેમની આગેવાની હેઠળની BJDએ પ્રાદેશિક પક્ષોમાંથી એક છે જેણે સત્તાધારી ભાજપ અને વિપક્ષ વચ્ચેના મતભેદો સંબંધિત મુદ્દાઓ પર ઘણીવાર તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ઘણી વખત તેઓ સંસદમાં પણ ભાજપને સમર્થન આપી ચૂક્યા છે. પટનાયકે કહ્યું હતું કે, તેઓ તેમના રાજ્ય સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવવા માટે વડાપ્રધાનને મળ્યા હતા.


PM સાથે 25 મિનિટની મુલાકાત


લગભગ 20-25 મિનિટ સુધી ચાલેલી બેઠકમાં, પટનાયકે રાજ્યમાં માળખાગત વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા હતાં જેમાં નિર્માણાધીન શ્રી જગન્નાથ એરપોર્ટ, અધૂરા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને ગ્રામ પંચાયતોમાં બેંક શાખાઓ ખોલવાનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ બિહારના સીએમ નીતિશ કુમાર નવીન પટનાયકને મળ્યા હતા. આ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નવીન પટનાયકને મળી ચુક્યાં છે. આ બેઠકો અને 'ત્રીજા મોરચા'ની સંભાવના વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, 'ના, જ્યાં સુધી મારો સવાલ  છે તો, હજુ સુધી નહીં.'


'બીજેડી હંમેશા એકલા લડે છે ચૂંટણી'


આગામી ચૂંટણીમાં બીજેડી એકલા હાથે લડશે કે કે? તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, "હંમેશા એવું જ રહ્યું છે." નવીન પટનાયક કે જે શુક્રવાર સુધી દિલ્હીમાં છે, તેમણે પણ સ્પષ્ટ કર્યું છે કે, વર્તમાન મુલાકાત દરમિયાન તેમની કોઈ અન્ય નેતાને મળવાની કોઈ યોજના નથી. મંગળવારે નીતીશ કુમાર સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું હતું કે, 'તે એક સૌજન્ય મુલાકાત હતી, તેઓ મળ્યા હતા. જે સારી રહી હતી.


પીએમ મોદી સાથેની મુલાકાત બાદ નવીન પટનાયક અને નીતિશ કુમાર બંનેએ મંગળવારે દાવો કર્યો હતો કે, 2024ની લોકસભા ચૂંટણી માટે JD(U) અને BJD વચ્ચે કોઈ રાજકીય ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી.