નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પર હવે ઘણાં સવાલ ઉભા થઈ રહ્યા છે. ઘણાં વિપક્ષી નેતા પહેલાં પણ એર સ્ટ્રાઈકના પુરાવા માંગી ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ વિવાદિત નિવેદત આપ્યું છે. સિદ્ધુએ ટ્વિટ કર્યું છે કે, શું ત્યાં 300 આતંકીઓ મર્યાં છે કે નહીં? જો નહીં તો આનો શું અર્થ છે? શું તેઓ માત્ર ઝાડ ઉખાડવા જ ગયા હતા.



નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું હતું કે, શું ત્યાં આતંકીઓને મારવા ગયા હતા કે ઝાડ ઉખાડવા. શું આ માત્ર એક ચૂંટણીલક્ષી નોટંકી છે. તેમણે લખ્યું છે કે, સેનાનું રાજકારણ કરવાનું બંધ કરો. જેટલો દેશ પવિત્ર છે તેટલી જ સેના પણ પવિત્ર છે.


સિદ્ધુએ આ ટ્વિટ સિવાય એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. જેમાં બાલાકોટના અમુક સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ત્યાં કોઈ નુકસાન નથી થયું. નોંધનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુનું આ પહેલાં પણ એક નિવેદન આવ્યું હતું જે ઘણાં સમય સુધી વિવાદમાં રહ્યું હતું.



સિદ્ધુએ પુલવામા આતંકી હુમલા પછી કહ્યું હતું કે, આતંકી હુમલા વિશે કોઈ એક દેશને સંપૂર્ણ રીતે ટાર્ગેટ ન કરી શકાય. આ નિવેદનથી ખૂબ હોબાળો મચ્યો હતો. તે માટે સોશિયલ મીડિયા પર તેમના વિરૂદ્ધ કેમ્પેન પણ ચાલ્યું હતું અને તેમને ધી કપિલ શર્મા શોથી હટાવવામાં પણ આવ્યા હતા.