નવી દિલ્લીઃ પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી નવજોતસિંઘ સિદ્ધુએ રાજીનામું આપી દિધું છે. તેમણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું ધરી દીધું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, હું કોંગ્રેસ માટે કરતો રહીશ.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પંજાબમાં બનેલી નવી સરકાર પછી નવા મંત્રીમંડળની રચના અને તેમને ખાતાઓની ફાળવણી અંગે વિશ્વાસમાં લેવામાં ન આવતાં તેઓ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ કારણે તેમને રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. તેમના રાજીનામાને કારણે ફરી એકવાર પંજાબનું રાજકારણ ગરમાયું છે.
બીજી તરફ, પંજાબમાં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા પછી કેપ્ટન અમરિંદર સિંહ આજે સાંજે દિલ્હી પહોંચી રહ્યાં છે. અહીં તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે. જેને હાલ પંજાબનું રાજકારણ ગરમાયું છે. એવી પણ ચર્ચા છે કે કેપ્ટન BJPમાં જોડાઈ શકે છે. વિરોધી પાર્ટીઓ અને રાજકીય એક્સપર્ટથી લઈને કોંગ્રેસ પણ કેપ્ટનના વલણની રાહ જોઈ રહી હતી. અમરિંદર સિંહે નવજોત સિદ્ધૂ સાથે ચાલી રહેલા વિવાદ પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછી કોંગ્રેસ હાઈકમાન્ડે ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
કેપ્ટને જ્યારે પદ પરથી રાજીનામું આપ્યું તો ભાજપમાં ન જવા બાબતે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. કેપ્ટને કહ્યું કે તમામ વિકલ્પ ખુલ્લા છે. રાજકારણના 52 વર્ષના અનુભવ અને સાડા 9 વર્ષ મુખ્યમંત્રી રહેવા પર તેમન ઘણા દોસ્ત બન્યા છે. તે સમર્થકો સાથે ચર્ચા-વિચારણ કરીને નિર્ણય લેશે. અમિત શાહની તેમણે અગાઉ પણ મુલાકાત કરી હતી. જોકે ત્યારે તે પોતે મુખ્યમંત્રી હતા. હવે તેમના અચાનક ગોઠવાયેલા દિલ્હી પ્રવાસથી તે ભાજપમાં જોડાશે તેવી ચર્ચા ચાલી રહી છે.