Nawab Malik Arrested: ઇડીએ મુંબઇ અંડરવર્લ્ડની ગતિવિધિઓ  સાથે જોડાયેલા મની લોન્ડ્રરિંગ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકની ધરપકડ  કરી છે. એનીસીપી નેતા નવાબ મલિકની ઇડીએ સવારે પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ  કરી છે. ધરપકડ કરાયા બાદ નવાબ મલિકે કહ્યું કે હું લડીશ, ડરીશ નહીં.


ધરપકડ અગાઉ ઇડીના અધિકારીએ કહ્યું કે એનસીપી નેતા મલિક અહી બેલાર્ડ  એસ્ટેટ વિસ્તારમાં સ્થિત ઇડીની ઓફિસમાં સવારે આઠ વાગ્યે પહોંચ્યા હતા અને એજન્સી તેમનું નિવેદન નોંધી રહી છે.






મલિક  છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. તેમણે એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીપીના મુંબઇ ક્ષેત્રના પૂર્વ નિર્દેશક સમીર વાનખેડે વિરુદ્દ અંગત અને નોકરી સંબંધિત આરોપ લગાવ્યા હતા. મલિકના જમાઇ સમીર ખાનને ગયા વર્ષે નશીલા પદાર્થ સાથે જોડાયાલે એક કેસમાં એનસીબીએ ધરપકડ કરી હતી.


અંડરવર્લ્ડની ગતિવિધિઓ, સંપત્તિની ગેરકાયદેસર રીતે ખરીદી અને વેચાણ અને હવાલા લેવડદેવડના સંબંધમાં ઇડીએ 15 ફેબ્રુઆરીના રોજ  મુંબઇમાં દરોડા પાડ્યા હતા અને એક નવો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ મલિકની ધરપકડ કરી હતી.


એજન્સીએ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા જેમાં 1993માં બોમ્બ વિસ્ફોટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પાર્કર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફ સલીમ  ફ્રૂટના  પરિસર સામેલ  છે. કાસકર અગાઉથી જેલમાં છે. ઇડીએ પાર્કરના દીકરાની પણ પૂછપરછ કરી હતી.