રશિયા અને યૂક્રેન વચ્ચે ધણા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદથી અને હવે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિથી સમગ્ર દુનિયા ચિંતિત છે. એક તરફ કેટલાક દેશો યૂક્રેન સાથે છે તો, કેટલાક દેશો રશિયાનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે ઘણા દેશો એવા પણ છે કે જે તટસ્થ રહ્યા છે અને રશિયા કે યૂક્રેનનું સમર્થન નથી કર્યું. ભારત પણ એમાંનો જ એક દેશ છે જેણે અત્યાર સુધી તટસ્થ વલણ જાળવી રાખ્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આપાતકાલીન બેઠકમાં પણ આ જ વલણ અપનાવતાં આ વિવાદનું સમાધાન શાંતિપૂર્ણ રીતે વાતચીત કરીને લાવવાની જરુર છે. હવે આ મુદ્દે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે પણ પોતાનો પક્ષ રાખ્યો છે. 


અત્યારની સ્થિતિ 30 વર્ષનું પરિણામઃ


ફ્રાંસ પહોંચેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે એક સમાચાર પત્ર સાથે વાતચીતમાં કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી આ સ્થિતિનું મૂળ સોવિયત પછીનું રાજકારણ છે. યૂક્રેનની હાલની સ્થિતિનું કારણ નાટો (NATO)ના વિસ્તાર અને યૂરોપીય દેશો સાથે રશિયાના બદલાતા સંબંધો પણ છે. આ પરિસ્થિતિ આજ-કાલમાં નથી નિર્માણ પામી પરંતુ આ છેલ્લા 30 વર્ષોનું પરિણામ છે.



યુદ્ધથી આ સમસ્યા વધશેઃ


જ્યારે એસ. જયશંકરને રશિયાએ યૂક્રેન બોર્ડર પર તૈનાત કરેલા સૈનિકો વિશે ભારતે કોઈ નિંદા ના કરી તે વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, દુનિયા હાલ ઘણી સમસ્યાઓ સાથે જજુમી રહી છે. આવી સ્થિતિમાં યુદ્ધની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય પડકારોને વધારે છે. ભારત આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અન્ય સભ્યો સાથે રશિયા સાથે વાત કરી શકે છે. ભારત ફ્રાંસની જેમ પહેલનું સમર્થન કરે છે. 


ક્વાડ મુદ્દે વિચાર રજૂ કર્યાઃ


વિદેશ મંત્રી એસ. જયશંકરે QUADનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, QUAD ક્ષેત્રિય અને વૈશ્વિક પડકારોમાં મદદ કરશે. ક્વાડ પાછળનો અમારો હેતુ એવો છે કે, અમે ચારેય દેશ એક સાથે કામ કરવામાં સહજ છીએ અને અમારી વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સંબંધ છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં ક્વાડને એશિયાઈ નાટો કહેવા મુદ્દે એસ. જયશંકરે નીંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ ભ્રામક શબ્દાવલી છે.