Samir Wankhede vs Nawab Malik: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી મુંબઈ સુધી ખૂબ હલચલ જોવા મળી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB અધિકારી સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCPના વરિષ્ઠ નેતા નવાબ મલિક દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. હવે નવાબ મલિકે ટ્વીટ કરીને સમીર વાનખેડેને પૂછ્યું છે કે શું તમારી સાળી પણ ડ્રગ્સના ધંધામાં સામેલ છે? નવાબ મલિકનો દાવો છે કે સમીર વાનખેડેની સાળી હર્ષદા દીનાનાથ રેડકર વિરુદ્ધ પુણેની કોર્ટમાં ડ્રગ્સનો કેસ ચાલી રહ્યો છે. હવે નવાબ મલિક આ મુદ્દે સમીર વાનખેડે પાસેથી જવાબ માંગી રહ્યા છે.


નવાબ મલિકે ટ્વિટ કરીને સમીર વાનખેડેને પૂછ્યું- "શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે? તમારે આ જવાબ આપવો જોઈએ કારણ કે તેનો કેસ પૂણેની કોર્ટમાં પેન્ડિંગ છે. આ રહ્યા પુરાવા."




ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી નવાબ મલિક NCBના સમીર વાનખેડે પર સતત પ્રહાર કરી રહ્યા છે. મલિકે સમીર વાનખેડે પર પોતાની ખાનગી સેના દ્વારા ડ્રગ્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડેની સંપત્તિ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તે કરોડોના કપડાં પહેરે છે. આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડે પર છેતરપિંડી દ્વારા સરકારી નોકરી મેળવવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે સમીર વાનખેડેએ નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.