Nawab Malik Gets Bail: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને શુક્રવારે (11 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં બે મહિના માટે જામીન આપ્યા હતા. કોર્ટે મલિકને તેમની તબિયતની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ જામીન આપ્યા છે.
લાઈવ લો મુજબ, ઈડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિકને જામીન આપવાનો વિરોધ કર્યો ન હતો. મલિક મની લોન્ડરિંગ કેસમાં ફેબ્રુઆરી 2022થી જેલમાં છે. 17 મહિના બાદ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નવાબ મલિકને જામીન મળ્યા છે.
શું દલીલ કરી ?
નવાબ મલિકનો પક્ષ રાખી રહેલા કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું કે તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મને સમજાતું નથી કે મલિકને અંદર રાખવાની શું જરૂર છે ? સિબ્બલે વધુમાં જણાવ્યું હતું કે મલિક છેલ્લા 16 મહિનાથી કિડનીની બિમારીને લઈ સારવાર ચાલી રહી છે.
EDએ શું કહ્યું ?
ED તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમને મેડિકલના આધારે નવાબ મલિકને જામીન આપવામાં કોઈ સમસ્યા નથી. તેમને બે મહિના માટે જામીન આપો.
નવાબ મલિકની સારવાર ચાલી રહી છે
નવાબ મલિક કોર્ટની પરવાનગીથી ગયા વર્ષથી કુર્લાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. મલિકની એક કિડની ફેલ થઈ ગઈ છે. આ સિવાય તેઓ અન્ય શારીરિક બિમારીઓથી પણ પીડિત છે. આ જોઈને મલિકને 2 મહિના માટે જામીન આપવામાં આવ્યા છે.
શું છે સમગ્ર કેસ
રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટીના નેતા નવાબ મલિકની દક્ષિણ મુંબઇના બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ઇડીની ઓફિસમાં કલાકો સુધી પૂછપરછ કરી હતી.ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓ મલિકને તેમના નિવાસસ્થાન પરથી લઇ ગયા હતા.
અંડરવર્લ્ડની ગતિવિધિઓ, સંપત્તિની ગેરકાયદેસર રીતે ખરીદી અને વેચાણ અને હવાલા લેવડદેવડના સંબંધમાં ઇડીએ 15 ફેબ્રુઆરી 2022ના રોજ મુંબઇમાં દરોડા પાડ્યા હતા અને એક નવો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ નવાબ મલિકની ધરપકડ કરી હતી.
એજન્સીએ 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા જેમાં 1993માં બોમ્બ વિસ્ફોટના મુખ્ય કાવતરાખોર દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર, ભાઇ ઇકબાલ કાસકર અને છોટા શકીલના સંબંધી સલીમ કુરેશી ઉર્ફ સલીમ ફ્રૂટના પરિસર સામેલ છે. કાસકર અગાઉથી જેલમાં છે. ઇડીએ પારકરના દીકરાની પણ પૂછપરછ કરી હતી.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial