મુંબઈઃ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાતના મંત્રી કીરિટસિંહ રાણા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મુંબઈના ડ્રગ્સ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સાથે ગુજરાત સરકારના મંત્રીને નિકટના સંબંધો હતા એવો અત્યંત ગંભીર આક્ષેપ મલિકે કર્યો છે. મલિકે રાણા સામે ગંભીર આક્ષેપ કર્યો કે, ડ્રગ્સ કૌભાડમાં સંડોવાયેલા સુનિલ પાટિલ, મનિષ ભાનુશાળી વગેરે અમદાવાદની હોટલમાં રોકાયા હતા. આ તમામ લોકોના રાણા સાથેના સંબંધોનો આક્ષેપ કરીને મલિકે એવો સવાલ પણ કર્યો કે, ડ્રગ્સ નેટવર્કનું સંચાલન ગુજરાતમાંથી તો નથી થઈ રહ્યું ને ?


ફડણવીસ પર નવાબ મલિકના આરોપ


નોંધનીય છે કે, ગઈકાલે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે આરોપોનો જવાબ આપતા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. મંગળવારે તેણે કહ્યું હતું કે બુધવારે તે હાઈડ્રોજન બોમ્બનો વિસ્ફોટ કરશે… તેથી તેણે આરોપોનો હાઈડ્રોજન બોમ્બ ફોડ્યો છે. નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ પર મોટો આરોપ લગાવ્યો છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ રહીને નકલી નોટોનો ધંધો ચલાવતા હતા. સમીર પણ વાનખેડેનો બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, કારણ કે ફડણવીસ NCB દ્વારા કરોડો રૂપિયાની ઉચાપતમાં પણ સામેલ છે. એટલું જ નહીં, મલિકે ફડણવીસને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી રિયાઝ અહેમદ સાથેના સંબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.


નવાબ મલિકે પૂછ્યું- 2016માં સમગ્ર દેશમાં નોટબંધી લાગુ કરવામાં આવી હતી. દેશભરમાં નકલી નોટો પકડાઈ રહી હતી પરંતુ 8 ઓક્ટોબર '17 સુધી મહારાષ્ટ્રમાં નકલી નોટોનો એક પણ કેસ નોંધાયો ન હતો, કારણ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં નકલી નોટોનો ખેલ ચાલી રહ્યો હતો. મલિકે મોટો આરોપ લગાવ્યો હતો કે 8 ઓક્ટોબર 2017ના રોજ DRIએ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) પર દરોડા પાડ્યા હતા જેમાં 14.56 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, પરંતુ દેવેન્દ્ર ફડણવીસે આ મામલાને દબાવવામાં મદદ કરી હતી.