NCP Politicle Crisis : મહારાષ્ટ્ર બાદ શરદ પવારને નાગાલેન્ડમાં પણ ઝટકો લાગ્યો છે. અહીં પાર્ટીના 7 ધારાસભ્યો અજિત પવારના જૂથમાં જોડાયા છે. મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ શરદ પવારની પાર્ટી NCPમાં ભાગલા પડી ગયા છે. અજિત પવારના જૂથે પાર્ટી પર પોતાનો દાવો કર્યો છે. અજિત પવાર હાલમાં મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે.
NCP અજીત જૂથના રાષ્ટ્રીય પ્રવક્તા બ્રજમોહન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, નાગાલેન્ડના પ્રદેશ અધ્યક્ષ વાંથુંગ ઓડિયો દિલ્હી આવ્યા હતાં અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને સાંસદ અને મહારાષ્ટ્રના અધ્યક્ષ સુનીલ તટકરેને મળ્યા હતાં. નાગાલેન્ડ NCPના આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે 7 ધારાસભ્યો સહિત તમામ પદાધિકારીઓને સમર્થનની એફિડેવિટ પણ સોંપી હતી. આ મામલે પ્રફુલ્લ પટેલે આશ્વાસન આપ્યું હતું કે, તેઓ પાર્ટીને મજબૂત કરવાના તેમના પ્રયાસોમાં તેમનો સાથ આપશે.
પટેલે નાગાલેન્ડની રાજ્ય કારોબારી અને જિલ્લા એકમોને પણ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખવા સૂચના આપી છે.
નાગાલેન્ડ NCP કાર્યકારી અને જિલ્લા અધિકારીઓ પણ અજીત જૂથ સાથે
પ્રવક્તા બ્રજમોહન શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, નાગાલેન્ડ નેશનાલિસ્ટ પાર્ટીની સમગ્ર રાજ્ય કારોબારી અને જિલ્લાઓના પદાધિકારીઓએ ગહન ચર્ચા બાદ નિર્ણય લીધો છે કે, તેઓ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલના નેતૃત્વમાં કામ કરશે. નાગાલેન્ડ એનસીપીએ પ્રમુખ વાન્થુંગ ઓડિયોને આ નિર્ણય વિશે રાષ્ટ્રીય નેતૃત્વને જાણ કરવા માટે અધિકૃત કર્યા છે.
જાહેર છે કે, આ અગાઉ થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલ પાથલ મચી જવા પામી હતી. મહારાષ્ટ્રમાં રાતોરાત શરદ પવારને હાથતાળી આપી તેમના ભત્રીજા અજીત પવારે 30થી વધુ ધારાસભ્યો સાથે રાજ્યની ભાજપ-શિવસેનાની સરકારને સમર્થન આપી દીધું હતું. પાર્ટીના વરિષ્ઠ નેતા અને શરદ પવારના ખાસમખાસ ગણાતા પ્રફુલ્લ પટેલ પણ અજીત પવારની સાથે આવ્યા હતાં. આમ શરદ પવારની પાર્ટી એનસીપીમાં મોટું ગાબડું પડ્યું હતું. મહારાષ્ટ્રની ભાજપ-શિવસેના સરકારમાં અજીત પવાર જુથના એનસીપીના 8 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે. અજીત પવારને નાણાં મંત્રાલય આપવામાં આવ્યું છે.
આટલું ઓછું હોય તેમ અજીત પવાર જુથે એનસીપીના ચિન્હ અને પાર્ટીના નામ પર પણ દાવો ઝિંક્યો છે. તો સામે શરદ પવાર પણ પાર્ટીનું ચૂંટણી ચિન્હ અને પાર્ટીનું નામ જાળવી રાખવા હુંકાર કર્યો હતો.