મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને ખેચતાણ ચાલી રહી છે. તેની વચ્ચે એનસીપી પ્રમુખ શરદ પવારે મોટું નિવેદન આપતા કહ્યું કે, ભાજપ અને શિવસેનાએ રાજ્યમાં જલ્દી સરકાર બનાવી લેવી જોઈએ. અમને જનતાએ વિપક્ષમાં બેસવા માટે પસંદ કર્યા છે અને અમે વિપક્ષમાં જ બેસીશું. શરદ પવારનું આ નિવેદન શિવસેના પ્રવક્તા સંજય રાઉત સાથેની મુલાકાત બાદ આવ્યું છે.


પત્રકાર પરિષદને સંબોધતા પવારે કહ્યું કે, “મારી પાસે હાલમાં કહેવા જેવું કંઈ નથી, મહારાષ્ટ્રની જનતાએ ભાજપ અને શિવસેનાને બહુમત આપી છે. તેથી આ બન્ને પાર્ટીએ સરકાર બનાવી લેવી જોઈએ. અમારો જનાદેશ વિપક્ષની ભૂમિકા નિભાવવાની છે.”

તેમણે વધુંમાં કહ્યું કે, એનસીપી-શિવસેનાની સરકાર બનાવવાનો સવાલ જ ક્યાં છે ? ભાજ-શિવસેના 25 વર્ષથી સાથે છે. તેઓ આજે અથવા કાલે ફરી સાથે મળીને સરકાર બનાવશે. સાથે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે શું નિર્ણય લીધો છે તેની મને કોઈ જાણકારી નથી.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પરિણામ બાદ શિવસેના ફિફ્ટી-ફિફ્ટી ફોર્મ્યુલા પર અડગ છે. શિવસેનાનું કહેવું છે કે ભાજપ સાથે 50-50 ના પ્રસ્તાવ પર જ વાત થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટોમાંથી ભાજપ-શિવસેના ગઠબંધનને 161 સીટો મળી છે. ભાજપને 105 સીટ અને શિવસેનાને 56 સીટ મળી છે. જ્યારે એનસીપી 54 અને કૉંગ્રેસને 44 સીટ પર જીત મળી છે.