NCP Political Crisis: મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ બાદ હવે નવા વળાંક આવવાનું પણ શરૂ થઈ જતા રાજકીય ડ્રામા વધુ રસપ્રદ બન્યો છે. રાતોરાતના બળવા બાદ હવે યુ-ટર્નની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. અજિત પવાર સાથે બળવો કરનારા અને શપથગ્રહણ સમારોહમાં શામેલ થનારા બે ધારાસભ્યો ઘરે પરત ફર્યા છે. આ સાથે આ ધારાસભ્યોએ અજીત પવાર પર આરોપ પણ લગાવ્યા છે.
અજિત પવારના સમર્થક વિધાનસભ્ય દિલીપ મોહિતે પાટીલે ગઈ કાલે સોમવારે દાવો કર્યો હતો કે, અજિત પવારે ગઈકાલે તેમને જાણ કર્યા વિના ધારાસભ્યોની સહીઓ લીધી હતી. અમે તેના પગલા સાથે સહમત નથી.
દિલીપ મોહિતે પાટિલ રવિવારના રોજ શપથ ગ્રહણ સમારોહમાં હાજર હતા. આ ઉપરાંત NCPના અન્ય એક ધારાસભ્ય મકરંદ પાટીલ પણ બળવાના બીજા દિવસે NCP ચીફ શરદ પવાર સાથે દેખાયા હતા. મકરંદ પાટીલ રવિવારે શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા અને સોમવારે શરદ પવારની કારમાં બેઠેલા જોવા મળ્યા હતા.
NCPએ બળવાખોર ધારાસભ્યો પર શરૂ કરી કાર્યવાહી
દરમિયાન, શપથ ગ્રહણ કરનારા ધારાસભ્યો સામે કાર્યવાહી કરીને એનસીપીએ તેમને બરતરફ કરી દીધા છે. મહારાષ્ટ્ર એનસીપી પ્રમુખ જયંત પાટીલે કહ્યું હતું કે, કોઈને પણ પાર્ટીના ચિન્હનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. જો આમ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એનસીપી ચીફ શરદ પવાર પણ આખા રાજ્યનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે.
શરદ પવાર રાજ્યભરમાં જાહેર સભાઓ કરશે
શરદ પવારનો પ્રવાસ શિવનેરીથી શરૂ થશે. પ્રથમ બેઠક દિલીપ વાલસે પાટીલના મતવિસ્તારમાં યોજાશે. શરદ પવારની બીજી સભા ધનંજય મુંડેના પરલી વિધાનસભા ક્ષેત્રમાં થશે. દિલીપ વાલ્સે પાટીલ અને ધનંજય મુંડેએ રવિવારે મંત્રી તરીકે શપથ લીધા હતાં. શરદ પવારે કહ્યું હતું કે, અજિત પવારના કેમ્પમાંથી ઘણા લોકોએ મને ફોન કર્યો અને કહ્યું કે તેમની વિચારધારા NCPથી અલગ નથી અને તેઓ આગામી થોડા દિવસોમાં અંતિમ નિર્ણય લેશે. મારી પાસે પહેલા ધારાસભ્યો જવાના 2-3 ભૂતકાળના અનુભવો છે. જેથી આગામી દિવસોના પરિણામો સારા રહેશે.
જાહેર છે કે, એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવાર આજે પાર્ટી સાથે છેડો ફાડીને 18 જેટલા ધારાસભ્યો સાથે એકનાથ શિંદેની શિવસેનામાં શામેલ થઈ ગયા હતાં. હજી પણ કેટલાક વધુ ધારાસભ્યો અજીત પવારની સાથે હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. બળવો કરનારાઓનો કુલ આંક 36 થાય તેવી શક્યતા છે.