નવી દિલ્હીઃ એનસીપીના સીનિયર નેતા અને પૂર્વ સાંસદ ડીપી ત્રિપાઠીનું ગુરુવારે નિધન થયું છે. તે લાંબા સમયથી બીમારીનો સામનો કરી રહ્યા હતા. દિલ્હીની હોસ્પિટલમાં તેમનું નિધન થયું. એનસીપીના સીનિયર નેતા પ્રફુલ્લ પટેલે પૂર્વ સાંસદ ડીપી ત્રિપાઠીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘પોતાના સહયોગી ડીપી ત્રિપાઠીના નિધનથી આઘાત લાગ્યો છે. તેમને ક્યારે ભૂલી નહીં શકાય. ઇશ્વર તેમની આત્માને શાંતિ આપે.’ તેમને એનસીપી પ્રમુખ શરદ પવારના ખૂબ જ નજીકના ગણાતા હતા.


હાલમાં તેઓ એનસીપીના મહાસચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. ગયા વર્ષે જ રાજ્યસભામાં તેમનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. પોતાના વિદાય ભાષણમાં તેમણે સેક્સના મુદ્દાને ઉઠાવતા કહ્યું હતું કે આજ સુધી તેના પર સંસદમાં ચર્ચા થઇ નથી જ્યારે ગાંધીજી અને લોહિયાએ પણ તેના પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સેક્સ સાથે જોડાયેલી બીમારીઓના લીધે મોત થાય છે, પરંતુ કયારેય તેના પર વાત થઇ નથી.

તેમણે કહ્યું કે જે દેશમાં કામસૂત્ર જેવા પુસ્તક લખાયા હતા, ત્યાંની સંસદમાં સેક્સ જેવા વિષય પર કયારેય વાત થઇ નથી. આ પુસ્તકને લખનારા વાત્સ્યાયનને ઋષિનો દરજ્જો પ્રાપ્ત હતો. અજંતા-ઇલોરાની ગુફાઓ અને ખજુરાહોના સ્મારક તેના પર સમર્પિત છે, પરંતુ કયારેય સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો નથી. 1968મા રાજનીતિમાં આવેલા ડીપી ત્રિપાઠી સારા વક્તા ગણાતા હતા. ઇમરજન્સીના આંદોલન સમયે તેઓ જેલમાં પણ રહ્યા હતા.