NEET Paper Leak: NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. એબીપી ન્યૂઝ પાસે પરીક્ષા માફિયા અમિતના કબૂલાતની નકલ છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રના જવાબો કેવી રીતે યાદ કરાવવામાં આવ્યા હતા. તેના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. NEET પેપર લીકને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરીક્ષા રદ કરીને ફરીથી પરીક્ષા યોજવાની પણ માંગ ઉઠી છે.
અમિત આનંદે પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે NEET પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા ઉમેદવારોને પ્રશ્નપત્ર અને જવાબો આપવામાં આવ્યા હતા. તેમને આખી રાત જવાબો યાદ રખાવવામાં આવ્યા હતા. પ્રશ્નપત્રના બદલામાં ઉમેદવારો પાસેથી 30-32 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પેપર લીકના માસ્ટરમાઈન્ડે તેની કબૂલાતમાં કહ્યું છે કે પોલીસને મારા ફ્લેટમાંથી NEET પરીક્ષાના પ્રશ્નપત્ર અને ઉત્તરવહીના સળગેલા અવશેષો મળ્યા છે. તેણે કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ પેપર લીક કરતો રહ્યો છે.
પેપર લીકનો માસ્ટર માઇન્ડ પટનામાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો.
બિહારની રાજધાની પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં અમિત આનંદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં પોલીસે તેની પૂછપરછ કરી જ્યાં તેણે પેપર લીકની કબૂલાત કરી. કબૂલાતની નકલ અનુસાર પેપર લીકનો માસ્ટર માઈન્ડ અમિત મુંગેર જિલ્લાનો રહેવાસી છે. જોકે, તે હાલમાં પટનાની એજી કોલોનીમાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો. આ કબૂલાતમાં તેણે જણાવ્યું છે કે તે તે વિદ્યાર્થીઓને કેવી રીતે મળ્યો જેમને જવાબો કંઠસ્થ કરાવ્યા હતા.
કેવી રીતે ઘડવામાં આવ્યું પેપર લીકનું કાવતરું?
કબૂલાતમાં અમિતે કહ્યું છે કે, "હું કોઈપણ દબાણ કે ડર વગર મારું નિવેદન આપી રહ્યો છું. દાનાપુર મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં જૂનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા સિકંદર સાથે મારી મિત્રતા હતી. હું તેને કોઈ અંગત કામ માટે મળવા ગયો હતો. નીતિશ કુમાર પણ મારી સાથે હતો, મેં સિકંદરને કહ્યું કે હું કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરાવીને વિદ્યાર્થીઓને પાસ કરાવું છું. સિકંદરે મને આના પર કહ્યું કે મારી પાસે 4-5 ઉમેદવારો છે જેઓ NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તેમને પાસ કરાવી દો.
અમિતે વધુમાં કહ્યું, "બાળકોને પાસ કરવાના બદલામાં મેં કહ્યું કે તેના માટે 30-32 લાખ રૂપિયાનો ખર્ચ થશે. આના પર સિકંદરે સહમતિ આપી અને કહ્યું કે તે અમને 4 ઉમેદવારોના નામ આપશે. દરમિયાન, NEET પરીક્ષાની તારીખ આવી. સિકંદરે પૂછ્યું કે છોકરાઓને ક્યારે લાવવાના છે. મે કહ્યું કે પાંચ મેના રોજ પરીક્ષા છે. ચાર મેની રાત્રે ઉમેદવારોને લઇને આવજે. ચાર મેની રાત્રે હું નીટ પરીક્ષાના પ્રશ્નપત્રો લીક કરીને તમામ ઉમેદવારોને ઉત્તર સાથે કંઠસ્થ કરાવ્યા હતા.
NEET પેપર લીકનો માસ્ટરમાઇન્ડ કેવી રીતે પકડાયો?
પોલીસને આપેલી કબૂલાતમાં માસ્ટરમાઈન્ડ અમિત આનંદે જણાવ્યું હતું કે, "સિકંદર પોલીસના હાથે ઝડપાયો હતો અને પછી તેની સૂચના પર અમે પણ પકડાઈ ગયા હતા. અમારા ભાડાના ફ્લેટમાંથી પોલીસને NEET સહિતની વિવિધ પરીક્ષાઓના એડમિટ કાર્ડ અને નીટના પ્રશ્નપત્રો અન આન્સર સીટના સળગેલા અવશેષો મળી આવ્યા હતા. પોલીસે તેને જપ્ત કર્યા હતા. મે અગાઉ પણ પેપર લીક કરાવ્યા છે. હું ગુનાની કબૂલાત કરું છું. આ મારુ નિવેદન છે.