નવી દિલ્હી: કૉંગ્રેસ  નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે UGC NEET UG પરીક્ષામાં કથિત પેપર લીકને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે આ મુદ્દે કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, "તમામ શૈક્ષણિક સંસ્થાઓ ભાજપના લોકોએ કબજે કરી લીધી છે. જ્યાં સુધી તેઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી આ ચાલુ રહેશે. પીએમ મોદી આ લીકને રોકી શકતા નથી. એક પરીક્ષામાં ગેરરીતિ બાદ તમે રદ કરી ચૂક્યા છો. ખબર નહી કે અન્ય પરીક્ષા રદ થશે કે નહીં, પરંતુ આ માટે કોઈને કોઈ જવાબદાર છે અને કોઈને પકડવા જોઈએ."


રાહુલ ગાંધીએ કહ્યું, "નીટ પેપર અને યુજીસી-નેટ પેપર લીક થયા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં યુદ્ધ અટકાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલ અને ગાઝામાં યુદ્ધ પણ અટકાવ્યું હતું. પરંતુ કોઈક કારણમાં ભારતમાં પેપરો લીક થઈ રહ્યા છે તેને નરેન્દ્ર મોદી અટકાવી શકતા નથી અથવા રોકવા માંગતા નથી."






બિહારમાં પેપર લીકના આરોપીઓની ધરપકડ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પહેલા જ કહ્યું છે કે તપાસ થવી જોઈએ અને જેણે પણ પેપર લીક કર્યું તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમણે આગામી સંસદ સત્રમાં પણ આ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી.


નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ બુધવારે (19 જૂન) UGC-NET (University Grants Commission - National Eligibility Test) પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. એજન્સીને પ્રથમદર્શી સંકેતો મળ્યા છે કે પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પરીક્ષા પ્રક્રિયાની સર્વોચ્ચ સ્તરની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે UGC-NET જૂન 2024ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.