નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે 11 વાગે ‘ટૉક ટૂ એકે’ કાર્યક્રમમાં દિલ્હીની જનતાના સીધા સવાલોના જવાબ આપી રહ્યા છે. તેના માટે ફોન, એસએમએસ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સવાલો પુછવામાં આવી રહ્યા છે. સવાલોના જવાબ આપતા કેજરીવાલે કહ્યું, ‘જનતા સાથે સંવાદ જરૂરી છે.’ આ અવસરે કાર્યક્રમની શરૂઆત કેજરીવાલે પોતાની પાર્ટીની ઉપલબ્ધિઓની સાથે કરી હતી. કેજરીવાલે કહ્યું, પીડબ્લ્યૂડી અને શિક્ષા વિભાગે સારું કામ કર્યું છે. જેના લીધે અમે એક વર્ષમાં 8,000 ક્લાસ રૂમ બનાવ્યા છે. તેમને ભાઈ-ભત્રીજાવાદની સરકારને દૂર કરવાની વાત પણ કહી હતી. તેમને કહ્યું, મેં દિલ્હીની સ્કુલમાં મારા પુત્રના એડમિશન માટે કોઈ ભલામણ કરી નથી. જનતાના સવાલોના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું, અમે સરકારી સ્કુલોમાં ટૉઈલેટ, પીવાનું પાણી, સફાઈ અને સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરાવી છે. કેજરીવાલે કેંદ્રમાં બેઠેલા સત્તાસીન નરેંદ્ર મોદી સરકાર ઉપર હુમલો કરતા કહ્યું, બીજેપીએ સત્તામાં આવતા જ શિક્ષા માટેનું બજેટ ઘટાડી દીધું, પરંતુ અમે દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી આ બજેટ વધારી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ટૉક ટૂ એકેના મારફતે આમ આદમી પાર્ટી દેશમાં એવા સમયે ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે જ્યારે ગોવા, પંજાબ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવનાર છે.