નવી દિલ્હી: દિલ્હીની મહિલા પોલીસ અધિકારીની મર્ડર મિસ્ટ્રીમાં એક નવો વળાંક આવ્યો છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, સુસાઈડ કરનારા આરોપી પોલીસ અધિકારી દીપાંશુ રાઠી અને તેની બેચમેટ પ્રીતિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. મહત્વની વાત એ છે કે, બંને લગ્ન કરવા માંગતા હતા પરંતુ બંનેના ગોત્ર એક હોવાથી પરિવારે તેની સ્વીકૃતિ આપી નહતી.

પ્રીતિએ પરિવારની વાત માનીને બીજી જગ્યાએ લગ્ન કરવા મન બનાવી લીધું હતું પરંતુ દીપાંશુએ આ સ્વીકાર્ય કર્યો નહતો. મળતી માહિતી પ્રમાણે, પ્રીતિ દ્વારા અંતર રખાતા દીપાંશુ તેનો પીછો પણ કરતો હતો. બંનેની વચ્ચે અણબનાવ એ હદે વધી ગયો હતો કે, દીપાંશુએ પ્રીતિની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી દીધી હતી.

જાણીતા વેબ પોર્ટલના અહેવાલ પ્રમાણે, લગ્નનો ઈન્કાર અને મિત્રતા તોડવાથી નારાજ દીપાંશુએ પ્રીતિનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. વોટ્સએપ પર સતત પોલીસ સ્ટેશન આવવા અને જતી વખતનો ફોટો મોકલતો રહેતો હતો. પ્રીતિએ કંટાળીને દીપાંશુનો નંબર બ્લોક કરી દીધો હતો ત્યાર બાદ તે પોતાના બેચના વોટ્સએપ ગ્રુપ ઉપર પણ આવી હરકત કરવા લાગ્યો હતો.

પોલીસના કહ્યાં પ્રમાણે, પ્રીતિ રોહતકની રહેવાસી હતી. તેના પિતા બીએસએઈથી નિવૃત્ત છે. તેની માતા અને મોટી બહેન ટીચર છે જ્યારે ભાઈ ન્યૂઝીલેન્ડમાં કોમ્પ્યૂટર એન્જિનિયર છે. મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીથી પાસ આઉટ પ્રીતિ શરૂઆતથી અભ્યાસમાં હોંશિયાર હતી. દિલ્હી પોલીસમાં સબ-ઈન્સ્પેક્ટર તરીકે જોઈનિંગ દરમિયાન તેની દીપાંશુ રાઠી સાથે મુલાકાત થઈ હતી. બંનેમાં ધીમે ધીમે ઓળખ વધી અને પછી બહુ જ નજીક આવી ગયા હતાં.

દીપાંશુનો પરિવાર સોનિપતની શાસ્ત્રી કોલોનીમાં રહે છે. દીપાંશુના પિતા દયાનંદ રાઠી હરિયાણા પોલીસમાં ફરજ બજાવતા હતા જેઓ ચાર મહિના પહેલા જ નિવૃત્ત થયા હતાં. દીપાંશુની એક બહેનના લગ્ન થઈ ગયા છે. બીજી તરફ દીપાંશુના પરિવારજનો તેના મોતથી હેરાન છે. તેમનું કહેવું છે કે, તેમને આ બંને વચ્ચેના સંબંધની કોઈ જાણકારી નહોતી.

નોંધનીય છે કે, શુક્રવારે મોડી રાતે રોહિણી ઈસ્ટ મેટ્રો સ્ટેશનની પાસે દિલ્હી પોલીસની સબ ઈન્સ્પેક્ટર પ્રીતિ અહલાવતની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા કરનારો આરોપી પ્રીતિનો જ બેચમેટ દીપાંશુ રાઠી હતો. શનિવારે દીપાંશુની પણ હરિયાણાના કરનાલથી લાશ મળી આવી હતી.