મુંબઇઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાના ત્રણ દિવસ બાદ નવી સરકારનો નવો ડ્રાફ્ટ સામે આવ્યો છે. સુત્રો અનુસાર નવી સરકાર શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની હશે. આ માટે ત્રણેય પક્ષો વચ્ચે પદની વહેંચણી પણ થઇ ગઇ હોવાની વાત સામે આવી છે.

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, એનસીપી-કોગ્રેસના નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં કૉમન મિનિમમ પ્રૉગ્રામનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટમાં મહારાષ્ટ્રની જનતાને ધ્યાનમાં રાખવામાં આવી છે.



સુ્ત્રો અનુસાર, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ શિવસેનાને આપવામાં આવશે, જ્યારે અઢી-અઢી વર્ષ માટે ડેપ્યૂટી સીએમનુ પદ એનસીપી અને કોંગ્રેસ વચ્ચે વહેંચવામાં આવ્યુ છે. એટલે મુખ્યમંત્રી શિવસેના અને ડેપ્યૂટી સીએમ કોંગ્રેસ અને એનસીપીનો હશે.



સીએમ અને ડેપ્યૂટી સીએમ પદ ઉપરાંત શિવસેના તરફથી મંત્રાલયોની વહેંચણીનો પ્રસ્તાવ પર મુકવામાં આવ્યો છે. પ્રસ્તાવ પ્રમાણે, ગૃહ મંત્રાલય અને ડેપ્યૂટી સ્પીકરનુ પદ એનસીપી, મહેસૂલ અને વિધાનસભા અધ્યક્ષ કોંગ્રેસને આપવામાં આવશે. વળી નાણા, નગર વિકાસ અને વિધાન પરિષદ અધ્યક્ષ શિવસેના પોતાની પાસે રાખવામાં માંગે છે.

નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજ્યમાં સરકાર બનાવવાને લઇને મોટી રાજનીતિ થઇ, પણ કોઇ સરકાર બનાવી શક્યુ નહીં અને અંતે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયુ હતુ. હવે ફરીથી સરકાર બનાવવા રાજકીય પક્ષો તૈયાર થયા છે.



શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.