નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર અને લદ્દાખને નવા કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા બાદ ભારત સરકારે તેના નવા નકશા પણ જાહેર કરી દીધાં છે. મહત્વનું છે કે આ નવા નક્શામાં જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશમાં મુજફ્ફરાબાદને પણ દર્શાવાયું છે સાથે લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશમાં અક્સાઈ ચીનને પણ નકશામાં દર્શાવાયું છે. સરકારનું માનવું છે કે આ નકશામાં વાસ્તવિક સ્થિતિને દર્શાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને 31 ઓક્ટોબર 2019ના રોજ સત્તાવાર રીતે કેન્દ્ર શાસિત રાજ્ય બનાવાયા છે. સાથે બન્ને જગ્યાએ નવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરી દીધી છે.


નવા નકશા પ્રમાણે લદ્દાખમાં કારગીલ તથા લેહ બે જિલ્લા છે અને પૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્યના બાકીનો ભાગ નવા જમ્મુ કાશ્મીર રાજ્યમાં છે. 1947માં પૂર્વ જમ્મુ કાશ્મીર રાજ્યમાં 14 જિલ્લા હતા. જેમાં કઠૂઆ, જમ્મુ, ઉધમપુર, રિયાસી, અનંતનાગ, બારામુલા, પુંછ, મીરપુર, મુજફ્ફરાબાદ, લેહ અને લદ્દાખ, ગિલગિટ, ગિલગિટ વજારત, ચિલ્હાસ અને ટ્રાઈબલ ટેરિટોરીનો સમાવેશ થાય છે.