પંચકુલા: હરિયાણાના પંચકુલા હિંસા કેસના આરોપી અને ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની કથિત પુત્રી હનીપ્રીતને મોટી રાહત મળી છે. હનીપ્રીત પર લાગેલી રાજદ્રોહની કલમ હટાવી લેવામાં આવી છે. જો કે તેના વિરુદ્ધ અન્ય કલમ હેઠળ કેસ ચાલું રહેશે.

કોર્ટે હનીપ્રીત અને 36 અન્ય ડેરા સમર્થકો વિરુદ્ધ શનિવારે ધારા કલમ 216, 145, 150, 151, 152, 153 અને 120બી અંતર્ગત આરોપ નક્કી કર્યા હતા. હનીપ્રીત પંચકુલામાં 25મી ઓગસ્ટ, 2017ના રોજ થયેલી હિંસા મામલામાં જેલમાં છે.

પંચકુલાના ડિસ્ટ્રિક્ટ એટૉર્નીએ જણાવ્યું કે ઓર્ડરની કૉપી મળ્યા બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હનીપ્રીતે અગાઉ સુપ્રીમ કોર્ટથી લઈ હાઈ કોર્ટ સુધી ઘણીવાર જામીન માટે અરજી કરી ચુકી છે. પરંતુ તેને કોઈ રાહત મળી નથી.

ગુરમીત રામ રહીમને બે મહિલાઓ સાથે રેપ મામલે ઓગસ્ટ 2017માં 20 વર્ષની જેલની સજા સંભળાવી હતી. જાન્યુઆરીમાં એક વિશેષ સીબીઆઈ કોર્ટે પણ ગુરમીત રામ રહીમ સહિત અન્ય ત્રણ લોકોને 16 વર્ષ પહેલા થયેલી એક પત્રકારની હત્યામાં આજીવન જેલની સજા સંભળાવી હતી. રામ રહીમને દોષી ઠેરવ્યા બાદ સિરસા અને પંચકુલામાં હિંસા થઈ હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260થી વધુ લોકો ઘાયલ થયા હતા.