Monkeypox Case In Delhi: દિલ્હીમાં એક નાઈજીરિયન મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. આ સાથે રાજધાનીમાં મંકીપોક્સના કુલ નવ કેસ નોંધાયા છે. ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 14 થઈ ગઈ છે. મંકીપોક્સ વાયરસથી સંક્રમિત મહિલાની ઉંમર 30 વર્ષ છે. મહિલાને દિલ્હીની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.


મહિલાનો ટેસ્ટ રિપોર્ટ રવિવારે આવ્યો હતો. નાઈજીરીયન મૂળના અન્ય એક શંકાસ્પદ દર્દીને પણ રવિવારે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. શુક્રવારે જ દિલ્હીમાં મંકીપોક્સનો આઠમો કેસ જોવા મળ્યો હતો. લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ (LNJP)ના મેનેજિંગ ડિરેક્ટરે શુક્રવારે દિલ્હીમાં મંકીપોક્સના 8મા કેસની પુષ્ટિ કરી હતી.


તેણે કહ્યું હતું કે એક મહિલાને બે દિવસ પહેલા દાખલ કરવામાં આવી હતી, તેનો રિપોર્ટ શુક્રવારે આવ્યો હતો જેમાં તે સંક્રમિત જોવા મળી હતી. આ મહિલા પણ નાઈજીરિયાની રહેવાસી છે. દિલ્હીમાં અત્યાર સુધી જોવા મળતા મંકીપોક્સના કેસોમાં એક ભારતીય હતો અને બાકીના આફ્રિકન મૂળના છે. નવા મંકીપોક્સના દર્દીનો તાજેતરનો કોઈ પ્રવાસનો ઇતિહાસ નથી. મંકીપોક્સનો પહેલો કેસ 24 જુલાઈએ દિલ્હીમાં નોંધાયો હતો.


સોમવારે દિલ્હીમાં નવા કેસ મળ્યા બાદ હવે ભારતમાં મંકીપોક્સના 14 કેસ નોંધાયા છે. તેમાંથી નવ કેસ દિલ્હીમાં અને પાંચ કેરળમાંથી નોંધાયા છે. દિલ્હીમાં કુલ કેસમાંથી પાંચ દર્દીઓ સાજા થયા છે. કેરળના એક દર્દીનું મંકીપોક્સથી મૃત્યુ થયું હતું. દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ કેરળમાં જ જોવા મળ્યો હતો.


દેશમાં વધી રહ્યો છે કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ


દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ગઈકાલ કરતાં આજે સામાન્ય વધારો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 858 નવા કેસ નોંધાયા છે અને 18 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 2.76 ટકા છે.  દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે, જે ચિંતાની વાત છે.


સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 48 હજાર 27 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 62 હજાર 664 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 355 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 216 કરોડ 70 લાખ 14 હજાર 127 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 13 લાખ 59 હજાર 361 ડોઝ અપાયા હતા.