Operation Sindoor New Video: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અંગે સતત અપડેટ્સ આવી રહ્યા છે. પહેલા સેનાએ વીડિયો અને ફોટા જાહેર કરીને આ ઓપરેશન વિશે માહિતી આપી હતી. હવે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે BSF એ પાકિસ્તાનની 72 ચોકીઓનો નાશ કર્યો છે.

મંગળવારે (27 મે, 2025) ના રોજ રિલીઝ થયેલા ઓપરેશન સિંદૂરના એક નવા વીડિયોમાં પાકિસ્તાની ક્ષેત્રમાં અંદર રહેલા આતંકવાદી છાવણીઓ પર બીએસએફ દ્વારા કરવામાં આવેલા સચોટ હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે અને આતંકવાદીઓના ઠેકાણાઓ તબાહ થતા જોઇ શકાય છે. ઉપરાંત, પાકિસ્તાની ચોકીઓ તબાહ થતી જોવા મળી રહી છે

'લશ્કરનું લોન્ચ પેડ નષ્ટ થયું'

મીડિયાને સંબોધતા BSF જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું હતું કે BSF એ અખનૂર, સાંબા અને આરએસપુરા સેક્ટરમાં અનેક આતંકવાદી લોન્ચ પેડને નષ્ટ કર્યા હતા જેમાં લોની, મસ્તપુર અને છબ્બરા સામેલ છે. તેમણે કહ્યું હતું કે "9-10 મેના રોજ પાકિસ્તાને અખનૂર સેક્ટરમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો અને BSF ચોકીઓને નિશાન બનાવી હતી. જવાબમાં અમે લશ્કર-એ-તૌયબાના લોની લોન્ચ પેડ પર હુમલો કર્યો અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું."

તેમણે કહ્યું હતું કે, "અમે દુશ્મનની અનેક ચોકીઓ, ટાવર અને બંકરોનો નાશ કરીને જવાબ આપ્યો હતો. લગભગ 72 પાકિસ્તાની ચોકીઓ અને 47 અગ્રીમ ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. BSF ને સંપત્તિ કે માળખાગત સુવિધાઓને કોઈ નુકસાન થયું નથી."

પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં

તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર ચાલુ છે કારણ કે પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાય નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે BSF એ ભૂતકાળમાં પણ ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. તેમણે કહ્યું કે તેઓએ આંતરરાષ્ટ્રીય સરહદ પર 40 થી 50 શંકાસ્પદ આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને પણ નિષ્ફળ બનાવ્યો હતો. તેમણે કહ્યું કે બીએસએફએ સિયાલકોટ સેક્ટરમાં પાકિસ્તાની ગોળીબારની આડમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા શંકાસ્પદ આતંકવાદીઓના મોટા ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો