New Year Celebration 2024: ભારત સહિત અન્ય દેશોમાં આજે રાત્રે 12 વાગ્યે નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. દરેક જગ્યાએ પાર્ટીઓ ચાલી રહી છે. લોકો નવા વર્ષનું ઉત્સાહભેર સ્વાગત કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા છે. જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરે મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી. કડકડતી ઠંડી છતા લોકો ઘરની બહાર નિકળ્યા હતા. બીજી તરફ 31મી ડિસેમ્બરે વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી.
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી.
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ચેન્નઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વર્ષ 2023ના અંતિમ દિવસે કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ઉત્તરાખંડમાં ઋષિકેશમાં પરમાર્થ નિકેતન આશ્રમ ખાતે લોકોએ ગંગા આરતી કરી હતી.
ખાટુ શ્યામજીના દરબારમાં ભક્તોની ભીડ
વર્ષના અંતિમ દિવસે સીકરના ખાટુશ્યામજીના દરબારમાં ભક્તોની ભીડ ઉમટી હતી. બાબાના દર્શન કરીને ભક્તો વર્ષ 2023ને અલવિદા કહી રહ્યા છે. વર્ષ 2024 શુભ રહે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બાબા શ્યામના મંદિર પરિસરમાં ભગવાન કૃષ્ણની સુંદર ઝાંખી સજાવવામાં આવી છે. શ્રી શ્યામ મંદિર સમિતિ, વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.