Next CM Of Rajasthan: રાજસ્થાનના મુખ્યમંત્રી (Rajasthan CM) અશોક ગેહલોત(Ashok Gehlot)ના રાજીનામાની અટકળો જેમ જેમ વધી રહી છે તેમ તેમ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને પણ અફવાઓએ જોર પકડ્યું છે. પહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ(Sachin Pilot)નું નામ જ લોકોની જીભ પર હતું, પરંતુ હવે રાજસ્થાન વિધાનસભાના વર્તમાન સ્પીકર સીપી જોશી(CP Joshi)નું નામ પણ આવવા લાગ્યું છે. ખુદ ગેહલોતે તેમના નામની ભલામણ કરી હોવાના સમાચાર રાજકીય વર્તુળોમાં છે.
વાસ્તવમાં સીએમ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના છે. તેમના કહેવા પ્રમાણે, રાહુલ ગાંધીએ નક્કી કર્યું છે કે તેઓ અધ્યક્ષ પદની રેસમાં નથી, તેથી હવે ગેહલોત પોતાનું નામાંકન દાખલ કરશે અને અદ્યક્ષ પદ માટે દાવો રજૂ કરશે. આ સાથે હવે રાજસ્થાનમાં પણ નવા મુખ્યમંત્રીને લઈને સસ્પેન્સ વધી ગયું છે.
સચિન પાયલટ અને સીપી જોશી
અત્યાર સુધી રાજસ્થાનના આગામી સીએમનું ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું. બધાની નજર માત્ર સચિન પાયલટ પર હતી. હવે અહીં પહેલા કરતા સસ્પેન્સ વધી ગયું છે. કારણ કે, ગેહલોતે આ માટે સીપી જોશીનું નામ આગળ કર્યું છે. તેનાથી એ પણ સ્પષ્ટ થાય છે કે તેઓ પાયલટ મુખ્યમંત્રી બને તેમ નથી ઈચ્છતા. જો કે કોંગ્રેસના ઘણા નેતાઓ ખુલ્લેઆમ પાયલટને સમર્થન આપી રહ્યા છે. પાયલોટ સમર્થનના ધારાસભ્યો વેદપ્રકાશ સોલંકી અને ઈન્દ્રરાજ ગુર્જર તેમને સીએમ બનાવવા માટે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આખરે રાજ્યનું નેતૃત્વ કરવાનો મોકો કોને મળશે?
શું ગેહલોત પાયલોટને બાજુ પર મૂકી રહ્યા છે?
સોનિયા ગાંધી સાથે ગેહલોતની મુલાકાત બાદ એવા અહેવાલો આવ્યા હતા કે તેમણે સીપી જોશીનું નામ આગળ કર્યું છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તેઓ પાયલટને સાઇડલાઇન કરીને મુખ્યમંત્રી બનતા રોકવા માંગે છે. જો કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક સભ્યએ કહ્યું કે ગાંધી પરિવાર પાયલટને સીએમ બનાવવાના પક્ષમાં છે.
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે આંદોલન તેજ બની રહ્યું છે. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં આગળ ચાલી રહેલા અશોક ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ પાર્ટી પ્રમુખ નહીં બને. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ પોતે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે અને રાજસ્થાનના મુખ્યપ્રધાન તરીકે તેમના સ્થાને કોણ આવશે તેનો નિર્ણય સોનિયા ગાંધી કરશે.