નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પુલાવામામાં ગત વર્ષે થયેલા આતંકી હુમલા મામલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. NIAએ શુક્રવારે સુસાઈડ બોમ્બર આદિલ અહમદ ડારની મદદ કરનાર શખ્સ શાકિર બશીરની ધરપકડ કરી છે. જૈશ-એ મોહમ્મદના આતંકી શાકિર બશીરે સુસાઈડ બોમ્બર ડારને રહેવા માટે વ્યવસ્થા કરી આપી હતી.

NIAએ અનુસાર, શાકિરે ખુલાસો કર્યો છે કે તેણે આદિલ ડારને અને પાકિસ્તાની આતંકી ઉમર ફારુકને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો. વર્ષ 2018થી ફેબ્રુઆરી 2019માં પુલાવામાં હુમલો થયો ત્યાં સુધી શાકિરે તેને રાખ્યો હતો. તેણે આ બન્નેને આઈઈડી બનાવવામાં પણ મદદ કરી હતી. શાકિર 15 દિવસ માટે એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.


આરોપ છે કે શાકિર બશીરે સ્યૂસાઈડ બોમ્બર આદિલ સહિત અનેક આતંકીઓને આશરો આપ્યો હતો, સાથે તેણે સીઆરપીએફના કાફલા વિશે પણ આતંકીઓને જાણકારી આપી હતી. શાકિર પુલવામાના કાકાપોરા વિસ્તારનો રહેવાસી છે.


ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ પુલાવામામાં સીઆરપીએફના કાફલા પર મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સીઆરપીએપના 40 જવાન શહીદ થઈ ગયા હતા. હુમલાને અંજામ આપનાર આતંકી આદિલ અહમદ ડાર હતો.