નવી દિલ્હીઃ દેશમાં ઘણી જગ્યાએ NIAના દરોડા ચાલુ છે. પ્રાથમિક માહિતી મુજબ આ દરોડા ઘણા ગેંગસ્ટરોના અડ્ડા પર થઈ રહ્યા છે. છેલ્લી કેટલીક તપાસમાં  ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે પંજાબના ગેંગસ્ટરોની સાંઠગાંઠ સામે આવી છે.


સૂત્રોના જણાવ્યા મુજબ, NIA પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે જોડાયેલી શંકાસ્પદ આતંકી ગેંગના સંબંધમાં દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં વિવિધ સ્થળોએ સર્ચ કરી રહી હોવાનું ન્યૂઝ એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યુ છે.


 પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં તપાસ દરમિયાન આતંકવાદી એંગલનો પર્દાફાશ થયો છે. પંજાબના ડીજીપીએ પોતે નિવેદન આપતા કહ્યું કે આ મામલામાં ગેંગસ્ટરો અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનું કનેક્શન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બોલિવૂડ એક્ટર સલમાન ખાન પણ મૂઝવાલા મર્ડર કેસમાં સામેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. ડીજીપીના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈના કહેવા અને ઈશારે આરોપી દીપક સહિત તેના સહયોગીઓએ રેકી કરી હતી.






23 લોકોની ધરપકડ


મૂસેવાલા મર્ડર કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, કુલ 35ના નામ છે અને બે એન્કાઉન્ટર દરમિયાન મૃત્યુ પામ્યા છે. ડીજીપીએ એમ પણ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં કપિલ પંડિતને લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને પણ નિશાન બનાવવા માટે કહ્યું હતું.


મુંબઈમાં રેકી કરી


કપિલે પોલીસને જણાવ્યું કે તે અને તેના બે સહયોગીઓ રેકી કરવા મુંબઈ ગયા હતા. ડીજીપીએ ખુલાસો કર્યો કે, આ હત્યા કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટરોના આઈએસઆઈ સાથે કનેક્શન છે. તે જ સમયે, આ પછી, NIAએ કાર્યવાહી કરી અને ગેંગસ્ટરોના સ્થળો પર દરોડા પાડ્યા. NIAના આ દરોડા દેશભરમાં ઘણી જગ્યાએ ચાલી રહ્યા છે.