Kanhaiya Lal Murder Case Update: રાજસ્થાનના ઉદયપુરમાં જૂન મહિનામાં કન્હૈયાલાલ નામના દરજીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ મામલે ગુરુવારે (22 ડિસેમ્બર) એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ કેસની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બે મુખ્ય હુમલાખોરો મોહમ્મદ રિયાઝ અત્રી અને મોહમ્મદ ગૌસ સહિત 11 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં બે પાકિસ્તાની નાગરિકોના નામ પણ છે.


નોંધનીય છે કે 28 જૂનના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં સુપ્રીમ ટેલર્સના ડાયરેક્ટર કન્હૈયાલાલનું તીક્ષ્ણ હથિયારથી ગળુ કાપી નાખવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝ મોહમ્મદની ધરપકડ કરી હતી. NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હત્યા અને તેનો વીડિયો સમગ્ર દેશમાં લોકોમાં ગભરાટ અને આતંક ફેલાવવા માટે પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ કેસ શરૂઆતમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ધનમંડી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને બાદમાં NIA દ્વારા ફરીથી નોંધવામાં આવ્યો હતો.


NIAએ ચાર્જશીટમાં શું કહ્યું?


ભારતીય દંડ સંહિતા, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. પ્રવક્તાએ કહ્યું, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વ્યક્તિઓ, આતંકવાદી ગેંગ-મોડ્યુલ તરીકે બદલો લેવાનું ષડયંત્ર રચતા હતા.


તેમણે કહ્યુ હતુ કે આરોપીઓ કટ્ટરપંથી હતા અને ભારતની અંદર અને બહાર પ્રસારિત થતા ઓડિયો/વિડિયો/સંદેશાઓમાંથી પ્રેરણા લીધી હતી. ચાર્જશીટમાં આ કેસમાં જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેમાં મોહમ્મદ રિયાઝ અટારી, ગૌસ મોહમ્મદ, મોહસીન ખાન, આસિફ હુસૈન, મોહમ્મદ મોહસીન, વસીમ અલી, ફરહાદ મોહમ્મદ શેખ, મોહમ્મદ જાવેદ, મુસ્લિમ ખાન ઉર્ફે મુસ્લિમ રઝા અને પાકિસ્તાની નાગરિકો સલમાન અને અબુ ઈબ્રાહીમનો સમાવેશ થાય છે. બંને પાકિસ્તાની નાગરિક કરાચીના રહેવાસી છે.


વીડિયો પણ વાયરલ થયો હતો


ઉલ્લેખનીય છે કે હત્યા બાદ બંને આરોપીઓએ અનેક વીડિયો પણ વાયરલ કર્યા હતા. એક લાઈવ હતો અને બે વીડિયોમાં તે ગુનાની કબૂલાત કરતો જોવા મળ્યો હતો. રાજસમંદ પોલીસે ઘટનાના થોડા કલાકો બાદ જ બંનેને હાઈવે પરથી પકડી લીધા હતા.


કન્હૈયાલાલ હત્યા કેસની તપાસ કરી રહેલી NIAએ હત્યાના મુખ્ય આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝના બે સાથી મોસીન અને આસિફની પણ ધરપકડ કરી હતી. બંનેએ NIA ટીમને કહ્યું હતું કે હત્યા બાદ મોહમ્મદ ગૌસ અને રિયાઝને સલામત માર્ગ આપવા માટે બેકઅપ પ્લાન પણ તૈયાર છે. આ બેકઅપ પ્લાનમાં ત્રણ લોકો સામેલ હતા.


પ્લાન મુજબ મોસીન અને તેનો સાગરિત આસિફ કન્હૈયાલાલની દુકાનથી થોડે દૂર ઉભા હતા. તે જ સમયે નજીકમાં સ્કૂટી પર તેનો અન્ય એક સાથી હાજર હતો. મોસીન અને આસિફે તપાસ ટીમને જણાવ્યું કે તેમની યોજના એવી હતી કે જો કન્હૈયાલાલની હત્યા બાદ ગૌસ અને રિયાઝ કોઈ કારણસર પકડાઈ જાય તો તેમને ત્યાંથી બહાર કાઢવાનું કામ ત્રણેયનું હતું. તેમની પાસે ખંજર પણ હતા અને તેઓ ભીડ પર હુમલો કરીને તેમને બચાવી લેતા.