NIA Raids: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગેંગસ્ટર ટેરર ​​નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને દિલ્હી-એનસીઆરમાં એક સાથે દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAએ એક સાથે 50 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.  પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં છૂપાયેલા ગેંગસ્ટરોના સરહદ પારના આતંકવાદીઓ સાથે સંબંધો હોવાના પુરાવા મળ્યા છે. આ ગેંગસ્ટર્સ મારફતે સરહદ પારથી ભારતમાં અનેક પ્રકારના ડ્રગ્સ મોકલવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે તેને ધ્યાનમાં રાખીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.


છેલ્લા કેટલાક મહિનામાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ગેંગસ્ટરો સક્રિય થયા છે. આ ગેંગસ્ટર્સને પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ મારફતે આર્થિક મદદ મળે છે. આ સિવાય પણ આવા ઘણા ગેંગસ્ટર્સ છે જેમને હથિયારોની જરૂર છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જ આતંકવાદીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. NIA સારી રીતે જાણે છે કે આતંકવાદીઓ અને ગેંગસ્ટરોનું આ નેટવર્ક દેશ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.


NIAની ટીમ પંજાબમાં સૌથી વધુ 30 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી રહી છે.  રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-એનસીઆર અને યુપીમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સના હવાલા ચેનલથી ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી ચાલી રહી છે.


ગેંગસ્ટર્સ સાથે પાકિસ્તાનનું કનેક્શન


વાસ્તવમાં પાડોશી દેશ પાકિસ્તાનના રસ્તે ભારતમાં માત્ર ડ્રગ્સ જ સપ્લાય કરવામાં નથી આવતુ પરંતુ ત્યાં આતંકીઓ પણ મોકલવામાં આવે છે. પાકિસ્તાન જાણે છે કે જો તે ભારતમાં તેની નાપાક યોજનાઓ પાર પાડવા માંગે છે તો ગેંગસ્ટર્સ તેની મદદ કરી શકે છે. આ જ કારણ છે કે હથિયારોની લાલચ દ્વારા ગેંગસ્ટરોને પોતાની તરફ આકર્ષવામાં આવી રહ્યા છે. તેમ છતાં ઘણા રાજ્યોની પોલીસે આ ગેંગસ્ટર્સ સામે કડક કાર્યવાહી કરી છે. પરંતુ હજુ પણ કેટલીક ગેંગ સક્રિય છે. તેમાંથી મોટાભાગના છૂપાયેલા છે, જ્યારે કેટલાક હજુ પણ જેલના સળિયા પાછળ છે.


અત્યાર સુધી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના રસ્તે આતંકવાદી ષડયંત્ર રચતું હતું પરંતુ હવે તે ડ્રોન મારફતે પંજાબ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રગ્સ સપ્લાય કરતું રહે છે. છેલ્લા કેટલાક મહિનામાં BSF જવાનોએ ઘણી વખત પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.