નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષિતોમાંથી એક વિનય શર્માએ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે એક ફેબ્રુઆરીના રોજ તમામ ચાર દોષિતોને અપાનારી ફાંસી એકવાર ફરી ટળી શકે છે. વાસ્તવમાં નિયમ અનુસાર, જો રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે છે તો ફરીથી ડેથ વોરંટ જાહેર કરવું પડે છે. આ અગાઉ ચારેય દોષિતોને 22 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાની હતી પરંતુ એક દોષિત મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેની અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ ફરીથી ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં એક ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવાનો નિર્ણય લેવાયો હતો.


નોંધનીય છે કે છેલ્લા મામલામાં જ્યારે તિહાડ વહીવટીતંત્ર અને દિલ્હી સરકારે દિલ્હી હાઇકોર્ટમાં મુકેશની અરજીની જાણકારી આપતા કહ્યું હતું કે, નવું ડેથ વોરંટ જાહેર કરવું પડશે ત્યારે કોર્ટે ફટકાર લગાવતા કહ્યું હતું કે, તમારી સિસ્ટમ કેન્સર બની ગઇ છે જેમાં દોષિતોને મદદ મળી રહી છે.

જ્યારે એક ફેબ્રુઆરીની  ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે નિર્ભયાની માતાએ કહ્યુ હતું કે, કોર્ટ તરફથી તારીખ પર તારીખ આપવામાં આવી રહી છે જ્યાં સુધી દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં નહી આવે ત્યાં સુધી તેમને શાંતિ મળશે નહીં.