Human Trafficking Fears: 300થી વધુ ભારતીય મુસાફરોને લઈને આવતું વિમાન ફ્રાન્સમાં અટકાવવામાં આવ્યું હતું. આ વિમાન યુનાઈટેડ આરબ અમીરાતથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જણાવ્યું કે માનવ તસ્કરીની આશંકાથી વિમાનને ફ્રાંસમાં રોકી દેવામાં આવ્યું છે.


વિમાનમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા


પેરિસના સરકારી વકીલના કાર્યાલયે જણાવ્યું હતું કે મુસાફરો માનવ તસ્કરીનો ભોગ બન્યા હોવાની આશંકાથી ગુરૂવારે (21 ડિસેમ્બર) પ્લેનને અટકાવવામાં આવ્યું હતું. પ્રોસિક્યુટર્સે કહ્યું કે રાષ્ટ્રીય સંગઠિત ગુના વિરોધી એકમ જુનાલ્કો (JUNALCO)એ તપાસ હાથ ધરી છે. માર્નેના ઉત્તરપૂર્વીય વિભાગના પ્રાંતે જણાવ્યું હતું કે રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત A340 પ્લેન લેન્ડિંગ પછી વૈટ્રી એરપોર્ટ પર પાર્ક કરવામાં આવ્યું હતું. વિમાનમાં ઈંધણ ભરવાનું બાકી હતું અને તેમાં 303 ભારતીય નાગરિકો સવાર હતા.


ભારતીય દૂતાવાસની ટીમ આવી પહોંચી


આ મામલે ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસની પ્રતિક્રિયા આવી છે. ફ્રાન્સના સત્તાવાળાઓએ અમને જાણ કરી કે દુબઈથી નિકારાગુઆ જતી ફ્લાઇટને 303 લોકો સાથે ટેકનિકલ ખામીને કારણે ફ્રેન્ચ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવી છે. દૂતાવાસની ટીમ પહોંચી ગઈ છે અને કોન્સ્યુલર એક્સેસ મેળવી લીધું છે. અમે પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છીએ, તેની ખાતરી પણ કરી રહ્યા છીએ કે મુસાફરોને કોઈ તકલીફ ન પડે.


2 લોકોની અટકાયત કરવામાં આવી હતી


ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, પેરિસના પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસે જણાવ્યું હતું કે સંગઠિત અપરાધમાં વિશેષતા ધરાવતી એકમ માનવ તસ્કરીની શંકાની તપાસ કરી રહી છે અને પૂછપરછ માટે બે લોકોની અટકાયત કરવામાં આવી છે. રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ ગુરુવારે બપોરે ટેકનિકલ સ્ટોપ માટે નાના વૈટ્રી એરપોર્ટ પર ઉતરી હતી જ્યારે પોલીસે દરમિયાનગીરી કરી હતી, માર્ને પ્રાંત કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.


કાર્યાલયે જણાવ્યું હતું કે વૈટ્રી એરપોર્ટના રિસેપ્શન હોલને મુસાફરોને ઉપલબ્ધ કરાવવા માટે વ્યક્તિગત બેડ સાથે વેઇટિંગ એરિયામાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. કાર્યાલયે કહ્યું કે ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી છે. બીબીસીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે કેટલાક મુસાફરો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ છે.