Monkeypox Cases in Delhi: દિલ્હીમાં મંકીપોક્સના વધુ એક કેસની પુષ્ટિ થઈ છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતો 35 વર્ષીય નાઈજિરિયન વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો છે. તેણે તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી. દેશમાં મંકીપોક્સના અત્યાર સુધીમાં છ કેસ નોંધાયા છે. તેમાંથી દિલ્હીમાં બે કેસ અને કેરળમાં ચાર કેસની પુષ્ટિ થઈ છે.


સૂત્રોએ જણાવ્યું કે મંકીપોક્સથી સંક્રમિત જોવા મળેલા નાઈજિરિયન વ્યક્તિને સરકારી એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. LNJP આ ચેપની સારવાર માટે નોડલ હોસ્પિટલ છે.


ચેપગ્રસ્તની સ્થિતિ કેવી છે ?


સૂત્રોના જણાવ્યા અનુસાર, નાઈજિરિયન વ્યક્તિ છેલ્લા પાંચ દિવસથી તાવ સામે ઝઝૂમી રહ્યો છે અને તેના શરીર પર ફોલ્લીઓ છે. તેમણે કહ્યું કે આફ્રિકન મૂળના વધુ બે શંકાસ્પદ દર્દીઓને પણ એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



રાજસ્થાનમાં મંકીપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ મળ્યો


 રાજસ્થાનમાં મંકીપોક્સ રોગનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો ધરાવતા યુવકને અહીંની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રાજસ્થાન યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના અધિક્ષક ડૉ. અજીત સિંહે સોમવારે આ માહિતી આપી હતી.


સેમ્પલ જયપુર અને પુણે મોકલવામાં આવ્યા


ડૉ. અજીત સિંહે જણાવ્યું કે મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણોવાળા 20 વર્ષના યુવકને રવિવારે રાત્રે કિશનગઢથી અહીં મોકલવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર તેમને સંસ્થાના મંકીપોક્સની સારવાર માટે બનાવવામાં આવેલા વિશેષ વોર્ડમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમના સેમ્પલ  જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલ અને પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે.


દર્દીને તાવ અને શરીર પર ફોલ્લીઓ 


ડૉક્ટર અજીત સિંહે કહ્યું કે આ કેસ (Monkeypox in Rajasthan) શંકાસ્પદ લક્ષણોનો છે અને ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ તેની પુષ્ટિ થશે. તેમણે જણાવ્યું કે શંકાસ્પદ દર્દી ચાર દિવસથી તાવથી પીડાય છે અને તેના શરીર પર ફોલ્લીઓ છે. રાજસ્થાનમાં શંકાસ્પદ મંકીપોક્સનો આ પહેલો કેસ છે.