કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા આજે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને હરિયાણા સહિત ઘણા રાજ્યોએ રાત્રિ કર્ફ્યુની સાથે ઘણા નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે. આ પહેલા ગુરુવારે મધ્યપ્રદેશ સરકારે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી હતી. સરકાર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીમાં ભાગ ન લેવા માટે સતત અપીલ કરી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 358 કેસની પુષ્ટિ થઈ છે અને આ પ્રકાર સતત ફેલાઈ રહ્યો છે. આજે મહારાષ્ટ્રમાં 20 નવા કેસ સામે આવ્યા છે.


મહારાષ્ટ્ર


મહારાષ્ટ્રમાં આજે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશ અનુસાર રાજ્યભરમાં એક જગ્યાએ 5 થી વધુ લોકોની હાજરી પર પ્રતિબંધ રહેશે. કોવિડ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો કોઈપણ કાર્યક્રમમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આયોજકને 50 હજારનો દંડ ભરવો પડશે. આદેશ અનુસાર, 50 ટકા લોકોને જિમ, સ્પા, સિનેમા હોલમાં પ્રવેશ આપવામાં આવશે.


ઉત્તર પ્રદેશ


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને 25 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની સૂચના આપી છે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ લાગુ રહેશે.


ગુજરાત


રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં આવતીકાલ 25 ડિસેમ્બર શનિવારથી રાત્રિ કરફ્યૂ હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ રાત્રિના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રહેશે. કોરોના સંક્રમણ વધતા સરકારે નિયંત્રણોમાં ફેરફાર કર્યો છે.


હરિયાણા
હરિયાણામાં પણ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન વાહનવ્યવહાર પર પ્રતિબંધ રહેશે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોનના કેસ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને, નાગરિકોની સલામતી માટે, 1 જાન્યુઆરી, 2022 થી જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં પ્રવેશ માટે રસીકરણના બંને ડોઝ ફરજિયાત કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે જાહેર સ્થળોએ 200 થી વધુ લોકોના એકઠા થવા અને અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.


ઓડિશા


ઓડિશા સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારના આદેશ મુજબ 25 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટ, પાર્કમાં સામાજિક મેળાવડા, રેલી, ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


છત્તીસગઢ


છત્તીસગઢ સરકારે નવા વર્ષ નિમિત્તે આયોજિત ધાર્મિક, સામાજિક તહેવારો અને કાર્યક્રમોમાં કડકાઈ રાખવાના નિર્દેશ જારી કર્યા છે. હવે માત્ર 50 ટકા લોકો જ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.


મધ્યપ્રદેશ


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ગુરુવારે ઓમિક્રોનના ઝડપી ફેલાવાના ભય વચ્ચે સાવચેતીના પગલા તરીકે રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે, લોકોને કોવિડ-19 પ્રોટોકોલનું કડકપણે પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.