મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી બેકાબુ બની છે. મહારાષ્ટ્ર (Maharashtra )માં છેલ્લા 24 કલાકમાં કોરોના (corona virus)ના નવા 35 હજાર 952 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 111 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. ફક્ત મુંબઈમાં કોરોનાના નવા પાંચ હજાર 513 પોઝિટીવ કેસ નોંધાયા છે.


મહારાષ્ટ્રમાં વધતા કોરોનાના સંક્રમણને લીધે મહારાષ્ટ્ર સરકારે 28 માર્ચથી નાઈટ કર્ફ્યુ (Night curfew)લાગુ કરવાની જાહેરાત કરી છે. 28 માર્ચથી સમગ્ર મહારાષ્ટ્રમાં તમામ શોપિંગ મોલ રાતના આઠ વાગ્યાથી સવારના સાત વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. એટલું જ નહી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યક્ત કરતા લોકોને સાવચેત કરતા કહ્યું કે જો લોકો કોરોનાને લઈને જાહેર કરેલા નિયમોનું પાલન નહીં કરે તો કડક નિયંત્રણો લગાવવામાં આવશે.


મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 26 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક પણ 53 હજાર 795 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધી કોરોનાથી 22 લાખ 83 હજાર 37 દર્દીઓ સાજા થયા છે.


દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના નવા 59 હજાર 118 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 257 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા એક કરોડ 18 લાખ 46 હજાર 652 પર પહોંચી ગઈ છે. જેમાંથી એક કરોડ 12 લાખ 64 હજાર 637 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે એક લાખ 60 હજાર 949 લોકો કોરોનાની સામેની જંગ હારી ગયા.


કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રજુ કરેલા આંકડા અનુસાર દેશમાં દસ એવા રાજ્ય છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્લી, તામિલનાડુ, છત્તીસગઢ, કર્ણાટક, હરિયાણા અને રાજસ્થાન છે. છેલ્લા 24 કલાકમાં જે નવા કેસ નોંધાયા. તેમાંથી 80 કેસ તો છ રાજ્યોમાં જ નોંધાયા. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને ગુજરાત છે.


દેશમાં છેલ્લા 24 કલાકમાં 257 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા જેમાંથી 79 ટકા મૃત્યુ પણ ફક્ત છ રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 111 લોકોના કોરોનાથી મૃત્યુ થયા. જ્યારે પંજાબમાં 43, છત્તીસગઢમાં 15, કેરળમાં 12, તામિલનાડુમાં 11 અને કર્ણાટકમાં 10 લોકોના મૃત્યુ થયા.