Nikki Murder Case: ગ્રેટર નોઈડા નિક્કી હત્યા કેસમાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, પોલીસ પૂછપરછ દરમિયાન બધાએ હત્યામાં પોતાની સંડોવણીનો ઇનકાર કર્યો હતો. સમય જતાં, આ કેસના વધુ રહસ્યો  ખુલી રહ્યા છે. આ મામલો ફક્ત દહેજ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ નિક્કીનો પતિ વિપિન ઇન્સ્ટા રીલ્સ અને બ્યુટી પાર્લર ખોલવાની જીદ કરવા બદલ તેની સાથે ઝઘડો કરતો હતો. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા નિક્કી અને તેની બહેન કંચને ઘરે બુટિક અને બ્યુટી પાર્લર ખોલ્યું હતું. ત્યારથી આ વિવાદ ચાલી રહ્યો છે.

'રીલ વિવાદને કારણે હત્યા નથી'

નિકી અને તેની બહેન કંચનના લગ્ન 2016 માં ગ્રેટર નોઈડાના સિરસામાં ભાટી પરિવારમાં થયા હતા. એવો આરોપ છે કે, લગ્ન પછીથી બંને બહેનોને દહેજ માટે માર મારવામાં આવતો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિપિને નિક્કીને કહ્યું હતું કે ઇન્સ્ટાગ્રામ પર રીલ પોસ્ટ કરવી અને પાર્લર ચલાવવું તેમના પરિવારમાં પ્રતિબંધિત છે. જો કે નિક્કીના પિતાએ રીલ વિવાદને કારણે તેમની પુત્રીની હત્યા કરવામાં આવી હોવાના દાવાને નકારી કાઢ્યો છે.

વિપિને 36 લાખ રૂપિયાની માંગણી કરી'

આ દરમિયાન, બીજો એક ખુલાસો થયો છે કે, 2024માં, નિક્કીએ વિપિનને જારચા ગામમાં એક છોકરી સાથે પકડ્યો હતો. છોકરીએ ગયા વર્ષે જારચા પોલીસ સ્ટેશનમાં વિપિન વિરુદ્ધ શારીરિક શોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. નિક્કી અને તેની બહેન કંચન બંનેના લગ્ન 2016માં ગ્રેટર નોઇડાના સિરસામાં ભાટી પરિવારમાં થયા હતા. એવો આરોપ છે કે, લગ્ન પછીથી બંને બહેનોને દહેજ માટે માર મારવામાં આવતો હતો. એવો આરોપ છે કે સ્કોર્પિયો એસયુવી, રોયલ એનફિલ્ડ, રોકડ, સોનું દહેજમાં આપવા છતાં, વિપિને 36 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

'પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થતા રહે છે'

સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, આરોપી પતિ વિપિને કહ્યું કે, તેણે નિક્કીની હત્યા કરી નથી, પરંતુ તેણી પોતે જાતે  આપઘાત કર્યું છે.  તેણે કહ્યું, "મને આ ઘટનાનો કોઈ અફસોસ નથી. પતિ-પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થતા રહે છે, આ ખૂબ જ સામાન્ય વાત છે." બંને બહેનો નિક્કી અને કંચન તેમના ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલો પર એક્ટિવ હતી. બંને 'મેકઓવર બાય કંચન' હેન્ડલ હેઠળ પાર્લર માટે ચેનલ ચલાવતી હતી. બંને બહેનો રીલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હતી.

છેલ્લા 10-15 દિવસથી, વિપિન અને નિક્કી એકબીજા સાથે વાત કરતા નહોતા. બંને એક જ ઘરમાં અલગ-અલગ રૂમમાં રહેતા હતા. વિપિને નિક્કીને કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર કોઈ રીલ્સ પોસ્ટ નહીં કરે. નિક્કીના શરીરને આગ લગાડવામાં આવી તે પહેલાં થોડા સમય પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો.